મહેસાણા હાઇવે રોડ પર પકવાન ડાઇનિંગ હોલ નીચે તા.30 ઓગસ્ટની રાત્રે પાટણના ઝીલીયા ગામના ભાવેશ દેસાઈ (ભાવેશ ઝીલીયા)ની ફોર્ચ્યુનર કાર પર સ્કોર્પિયો સવાર અસામાજિક તત્ત્વોએ વારંવાર જોરદાર ટક્કર મારી તેમજ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કર્યો હતો. આ સનસનાટીભર્યા કેસમાં મહેસાણા પોલીસે મોટી સફ્ળતા મેળવીને નેપાળ બોર્ડર સુધી નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર જોરાવર સહિતના પાંચેય વોન્ટેડ આરોપીઓને દબોચી લીધા હતા.
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આ હુમલો ભાવેશ ઝીલીયા પર નહીં, પરંતુ તેની કારમાં 'નવઘણ' નામના શખ્સ હાજર હોવાને લઈ તેની સાથેની જૂની અંગત અદાવતમાં તેને પતાવી દેવા માટે જોરાવરસિંહ ઉર્ફે ભાણુભાએ પ્લાન કર્યો હતો. આ ગુનામાં કુલ 3 વાહનો અને 11 શખ્સો સંડોવાયેલા હતા, જેમાં એક કારથી રેકી કરાઈ હતી, બીજી સ્કોર્પિયોથી 3 વખત જોરદાર ટક્કર મરાઈ હતી અને ત્રીજી કાર બેકઅપમાં રખાઈ હતી. ઘટના દરમિયાન ફાયરિંગ પણ કરાયું હતું, જેમાં ભાવેશ ઝીલીયાના ડાબા હાથના પંજાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અગાઉ મહેસાણા બી- ડિવિઝન અને એલસીબી દ્વારા કાવતરામાં સામેલ 6 આરોપીઓ (યુવરાજ ઉર્ફે કંટ્રોલ, શક્તિ ઉર્ફે લાલો, આર્યન ઉર્ફે પટેલ, દિગ્વિજય ઉર્ફે દીગુભા, દેવેન્દ્ર ઉર્ફે દેવુભા અને યુવરાજ ઉર્ફે ગગુભા)ને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે બનાવ બાદ સુરેન્દ્રનગર અને ઋષિકેશ થઈ છેક નેપાળ બોર્ડર સુધી ભાગી છૂટેલા મુખ્ય પાંચ આરોપીઓ જોરાવર ઉર્ફે ભાણુભા, સૂરજ ઉર્ફે સૂરભા, જીગ્નેશ ઉર્ફે જીગુભા, હરદીપ ઉર્ફે ભુવાજી અને જયરાજ ઉર્ફે ચંપુભાને જિલ્લા પોલીસ તથા SOGની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઝડપી લીધા હતા. પોલીસે તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી ગુનામાં વપરાયેલા વાહનો, હથિયારો જપ્ત કરવા તથા જૂની અદાવત સંદર્ભે વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
