ખેરાલુ તાલુકાના નંદાલી ગામમાં મોડી રાત્રે ફાયરીંગની ઘટનામાં એક વ્યકિત ગંભીર રીતે ઘાયલ થતાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ખેરાલુ તાલુકાના પીઆઈ, એલસીબી અને એસઓજી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને ફાયરીંગ કરનાર બન્ને ઈસમોને ઝડપી લઈ ઊંડી તપાસ આદરી હતી. ફાયરીંગ અંગેની પોલીસ ડોગ સ્કવોર્ડ સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને અલગ-અલગ ટીમો બનાવીને તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલ જાણકારી મુજબ કનકસિંહ ઉદાજી રાજપૂત ઉ.વ.પર પોતાના ખેતરમાં જઈ રહ્યા હતા ત્યારે અચાનક તેમના ઉપર ફાયરીંગ થયું હતું. પેટના ભાગે ગોળી આરપાર નીકળી જતાં મોટી માત્રામાં લોહી વહી ગયું હતું. ફાયરીંગ કરનાર ઠાકોર કીરણજી અજમલજી ઉ.વ.30 અને તેનો સાથીદાર ચૌહાણ દશરથસિંહ રણછોડસિંહને પોલીસે પકડી લીધા છે. આ બન્ને ઈસમોને ઘાયલ થનાર કનકસિંહ રાજપૂત સાથે પૈસાની લેવડ-દેવડનો વ્યવહાર હતો. તેનું મન દુઃખ રાખીને ફાયરીંગ કરાયું છે કે આરોપીની કેફીયત મુજબ ભુંડ મારવા ફાયરીંગ કર્યું છે તે સહિતના અલગ-અલગ એંગલથી ખેરાલુ પોલીસ ઈન્સપેકટર કરેણ તપાસ કરી રહ્યા છે. ઈજા પામનાર કનકસિંહની સ્થિતિ ગંભીર હોવાથી તેમને માંડી રાત્રે જ અમદાવાદ ખાતે સારવાર માટે ખસેડાયા હતા. રાત્રે બનેલી આ ફાયરીંગની ઘટનાથી ખેરાલુ પંથકમાં ભારે ચકચાર મચી છે.