દિવાળીના તહેવારોમાં નાગરિકોની ખુશીઓ બમણી કરવા અને સામાન્ય જનતાને આર્થિક રાહત મળે તેવા આશયથી મહેસાણા મહાનગરપાલિકાનાં મેયર સોનલબેન ઓઝાએ પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. મેયર દ્વારા તા. 8થી 11 નવેમ્બર (ભાઈબીજ સુધી) સતત ચાર દિવસ સમગ્ર શહેરમાં દોડતી તમામ 25 સિટી બસમાં મુસાફરી નિઃશુલ્ક જાહેર કરવામાં આવી છે. દિવાળીના દિવસોમાં બજારોમાં ખરીદીની ભીડ, પરિવારજનો અને સ્નેહીજનોને મળવા જવાની અવરજવર તેમજ તહેવારની ઉજવણીને પગલે જાહેર પરિવહન સેવાનો ઉપયોગ વધતો હોય છે. ત્યારે મહાનગરપાલિકાના આ નિર્ણયથી નાગરિકોને મુસાફરી ખર્ચમાંથી રાહત મળશે અને સિટી બસ સેવાનો વધુમાં વધુ ઉપયોગ કરવા પ્રોત્સાહન મળશે. મેયરનો આ નિર્ણય માત્ર પરિવહન વ્યવસ્થા પૂરતો સીમિત ન રહેતાં સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો પણ કોઈ આર્થિક બોજ વિના તહેવારની ઉજવણી કરી શકે તેવા હેતુથી લેવામાં આવ્યો છે. આ ચાર દિવસ દરમિયાન સિટી બસમાં મુસાફરી કરતા કોઈ પણ મુસાફર પાસેથી ટિકિટના પૈસા લેવામાં આવશે નહીં. શહેરના તમામ નાગરિકોને આ વિશેષ સુવિધાનો મહત્તમ લાભ લેવા અને દિવાળીના પર્વને આનંદ, ઉમંગ અને ઉત્સાહ સાથે ઊજવવા મેયરે અપીલ કરી છે.
