બહુચરાજી તાલુકાના સુરજ ગામના વતની કરશનભાઈ સકતાભાઈ ભરવાડે મધ્યપ્રદેશના નીમચ ખાતે CRPFની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતાં ગ્રામજનો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના આગમન નિમિત્તે જોગણી માતાજીના મંદિરથી નિવાસસ્થાન સુધી રેલી યોજાઈ હતી, જેમાં આગેવાનો, સગાસંબંધીઓ સહિત મહિલાઓ, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં જોડાયા હતા. ગ્રામજનોએ ફૂલહાર પહેરાવી કરશનભાઈનું સન્માન કરી દેશસેવા માટે પસંદગી બદલ ગૌરવ વ્યક્ત કર્યું હતું. વતન પરત ર્ફ્યા બાદ કરશનભાઈએ સૌપ્રથમ માતા-પિતાના આશીર્વાદ લીધા હતા અને પોતાની વર્દીની ટોપી માતા-પિતાના માથે પહેરાવી હતી. પુત્રને દેશના રક્ષકની વર્દીમાં જોઈ માતા-પિતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. આ પ્રસંગે સમગ્ર ગામમાં ગૌરવ અને લાગણીસભર માહોલ જોવા મળ્યો હતો.
