મહેસાણા તાલુકાના બોરીયાવીના પ્રાચીન મસિયા મહાદેવની શોભાયાત્રા સમગ્ર ગામમાં ધામધુમથી નીકળી હતી. ગામના હજારો આબાલવૃધ્ધ આ શોભાયાત્રામાં રંગેચંગે જોડાયા હતા. શુક્રવારે શ્રાવણ માસની અમાસના દિવસે મહેસાણા જિલ્લામાં શિવાલયોમાં હોમ-હવન અને મહાપૂજાઓ યોજાઈ હતી. સમગ્ર શ્રાવણ મહિના દરમ્યાન એક ટાણું અને ઉપવાસ કરનાર ભાવિક જનો શુક્રવારે શ્રાવણ માસની ઉજવણી કરી પારણા કર્યા હતા. કેટલાક શ્રાધ્ધાળુઓ શેરી-મહોલ્લાની કન્યાઓને જમાડી હતી અને કેટલાક શિવભકતોએ બ્રહ્મભોજન કરાવ્યું હતું. શુક્રવારે સોમનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, કલ્યાણેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ, મસીયા મહાદેવ, વાલ્કેશ્વર મહાદેવ સહિતના શિવ મંદિરોમાં મહાદેવ ભકતોની ભીડ જામી હતી.

શ્રાવણના છેલ્લા દિવસે અમાસ હોવાના કારણે શિવ ભકતોમાં ભારે ઉલ્લાસનો માહોલ છવાયો હતો. સવારથી જ શિવમંદિરો શ્રાધ્ધાળુઓથી ઉભરાયાં હતાં.

કેટલાંક શિવાલયોમાં શિવપૂજાનાં વિશેષ આયોજન કરાયાં હતાં. બોરીયાવી મસીયા મહાદેવમાં સાંજે 6.30 કલાકે 551 દીવડાની આરતીનું આયોજન કરાયું હતું. મહેસાણા તાલુકાના બોરીયાવી ગામમાં ભારે હર્ષોલ્લાસ સાથે શ્રી મસિયા મહાદેવની શોભાયાત્રા (વરઘોડો) નીકળ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો