મહેસાણા 'નેત્રમ' (કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર)ની ટીમે સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષામાં ભુલાઈ ગયેલી કિંમતી સામાન ભરેલી બેગ શોધી કાઢી અરજદારને પરત અપાવી હતી. વિગત અનુસાર, મહેસાણા વિસનગર રોડ પર રહેતા અહેમદરજા સૈયદ માનવ આશ્રામથી રાધનપુર સર્કલ જવા રિક્ષામાં બેઠા હતા. વતન ગણવાડા જવાની ઉતાવળમાં તેઓ આશરે રૂ. 10,831ની કિંમતી કોસ્મેટિક વસ્તુઓ ભરેલી પોતાની બેગ રિક્ષામાં જ ભૂલી ગયા હતા. સામાન ન મળતાં તેઓએ તાત્કાલિક નેત્રમ કમાન્ડ સેન્ટરનો સંપર્ક કર્યો હતો. નેત્રમ શાખાના પીએસઆઈ એચ.બી. સુથાર તથા ટીમે શહેરના માહિતીભવન અને ઉમિયા મેડિકલ સહિતના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસી સંબંધિત રિક્ષા (નં. GJ-01-TA-3107) શોધી કાઢી હતી. ત્યારબાદ રિક્ષાચાલકનો સંપર્ક કરી ગણતરીના કલાકોમાં સુરક્ષિત રીતે બેગ પરત મેળવી અરજદારને સોંપવામાં આવી હતી.
