મહેસાણા તાલુકામાં નોંધાયેલા નવા મતદારો અને ચૂંટણી કાર્ડમાં સુધારા-વધારા કરાવનાર કુલ 12,675 નાગરિકોને નવા ચૂંટણી કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે. જ્યારે બાકીના મતદારોને બીએલઓ દ્વારા રૂબરૂ સંપર્ક કરીને ચૂંટણી કાર્ડ પહોંચાડવાની કામગીરી ચાલુ છે. આગામી 9 અને 11, સપ્ટેમ્બરના રોજ ભાસરીયા અને છઠીયારડામાં યોજાનાર સેવા સેતુ કાર્યક્રમમાં નાગરિકો ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, બેન્કીંગ સુવિધાઓ અને સમાજ સુરક્ષા તેમજ અન્ય જરૂરી દસ્તાવેજો સાથે સ્થળ પર જ ત્વરિત સુધારા-વધારા કરાવી શકશે. હજુ બાકી રહી ગયેલા મતદારોએ જે-તે વિસ્તારના બીએલઓ પાસે નવા ચૂંટણી કાર્ડ તેમજ સુધારા કરાવી શકશે.

મહેસાણા મામલતદાર ગૌતમ વાણીયાએ જણાવ્યું હતું કે, તા.1.1.26 થી તા.1.9.26ના સમયગાળા દરમિયાન ફોર્મ નંબર-6ના આધારે 5,246 નવા ચૂંટણી કાર્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ફોર્મ નંબર-8 હેઠળ 7,429 કાર્ડમાં જરૂરી સુધારા-વધારાની કામગીરી પૂર્ણ કરી વિતરણ કરવામાં આવ્યું છે. તાલુકા કક્ષાએ હાથ ધરાયેલી આ ખાસ ઝુંબેશ અંતર્ગત કુલ 12,675 જેટલા સુધારેલા અને નવા ચૂંટણી કાર્ડ સંબંધિત મતદારો સુધી સફ્ળતા પૂર્વક પહોંચાડવામાં આવ્યા છે. જેથી આગામી ચૂંટણીમાં તમામ મતદારોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે.