મહેસાણા શહેરની મોઢેરા ચોકડી પાસે બસ પોર્ટ બહાર પેસેન્જર વાહનચાલકો વચ્ચે મુસાફ્રો ભરવા બાબતે થયેલી તકરાર લોહિયાળ બની હતી. નાગલપુરના રહેવાસી સાબિર ગુલાબહુસેન સૈયદ અને સાકીર રફીકમહમદ સૈયદ વચ્ચે પેસેન્જર બેસાડવા અંગે બોલાચાલી થઈ હતી. આ બાબતે યુનુષ્ખા (રહે. બાબીવાડા) સહિતના લોકોએ પોલીસ મથકે સાબિર સામે રજૂઆત કરી હતી, જ્યારે સાબિરે પણ સામા પક્ષે રજૂઆત કરી હતી.

પોલીસ રજૂઆત બાદ બપોરના સમયે યુનુષ્ખા, સાકીર સહિતનું ટોળું મોઢેરા ચોકડી ખાતે સાબિરના વાહન પાસે ધસી આવ્યું હતું. ટોળાએ સાબિરને ગાડીમાંથી બહાર ખેંચી ગળા તેમજ શરીરના અન્ય ભાગો પર છરી જેવા તીક્ષ્ણ હથિયાર વડે ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા સાબિરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અથડામણમાં સામા પક્ષે માજીદ નામના શખ્સને પણ ઈજા પહોંચતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડાયો છે.