ઉત્તર ગુજરાતમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને અરવલ્લી સહિતનાં કૃષિક્ષેત્રોમાં રાયડાના પાકનું મબલખ વાવેતર કરવામાં આવ્યું છે. રાયડો (મસ્ટર્ડ) એ ઉ.ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ તેલીબિયા પાક છે. તેની કાપણી યોગ્ય સમયે કરવી અત્યંત જરૂરી છે જેથી પાકની ગુણવત્તા જળવાઈ રહે અને નુકસાન ઓછું થાય. કૃષિ વિભાગ તરફ્થી આપવામાં આવેલી સલાહ મુજબ, જ્યારે પાકની શીંગો પીળી પડવા લાગે, મુખ્ય ડાળીની શીંગો સૂકાઈ જાય અને નીચેના પાન ખરી પડે ત્યારે કાપણી કરવી જોઈએ. આ સમયે પાકના 75% જેટલા પોડ્સ ગોલ્ડન યલો થઈ જાય અને બીજ મક્કમ થઈ જાય ત્યારે કાપણી કરવાની સલાહ અપાઈ છે.
ઉ. ગુજરાતમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 1,66,300 હેકટરમાં મબલખ વાવેતર થયું છે. મહેસાણા જિલ્લામાં 23,700 હેક્ટર, બનાસકાંઠા જિલ્લામાં 1,66,300 હેક્ટર, પાટણ જિલ્લામાં 26,000 હેક્ટર, અરવલ્લી જિલ્લામાં 1,300, સાબરકાંઠા જિલ્લામાં 2,900 હેક્ટર અને ગાંધીનગર જિલ્લામાં 2,100 હેક્ટર મળી ઉત્તર ગુજરાતમાં 2,20,200 હેક્ટર જમીનમાં રાયડાનું વાવેતર થયું છે. કૃષિ નિષ્ણાતોના મતે, રાઈનો પાક સામાન્ય રીતે 110 થી 140 દિવસમાં પાકી જાય છે. ઉ.ગુજરાતમાં રાઈની વેરાયટી જેમ કે ગ્રામ-3 જેવી હીટ ટોલરન્ટ અને ઇરીગેટેડ વેરાયટીઝ માટે આ સમયસર કાપણી વધુ લાભદાયી છે. કાપણીનો આદર્શ સમય સવારનો છે, કારણ કે રાતના ઝાકળથી પોડ્સ ભીના રહે છે અને શેટરિંગ (બીજ વેરવિખેર થવું)નું જોખમ ઓછું થાય છે. કાપેલા પાકને બંડલમાં બાંધીને 7-10 દિવસ સુધી ખેતરમાં અથવા તડકામાં સૂકાવા દેવો જોઈએ. રાઈની કાપણી સામાન્ય રીતે ફેબ્રુઆરી-માર્ચમાં થાય છે.










