મહેસાણા જિલ્લામાં બુધવાર અને ગુરુવાર એમ બે દિવસ સુધી ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પર્વ ભારે હર્ષોલ્લાસ પૂર્વક ઉજવાયો હતો.
15 જાન્યુઆરી વાસી ઉત્તરાયણના દિવસે પણ 108 એમ્બ્યુલન્સ 121 ઈમરજન્સી કેસમા દોડતી રહી હતી. ઇજાગ્રસ્તોને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી દર્દીઓને નવજીવન આપ્યું હતું. મહેસાણા જિલ્લામાં ગુરુવારે વાસી ઉત્તરાયણ પર સવારથી સાંજ સુધી પતંગ ચગાવી લોકોએ ઉત્સાહ મનાવ્યો હતો. જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પતંગ ચગાવતા દોરી વાગવાના બનાવ, પતંગ પકડવા જતા પડી જવાના બનાવ, વાહન અકસ્માત સહિત 121 બનાવો બન્યા હતા. જિલ્લામાં પતંગ પકડવા જતા પડી જવાના અને મારામારીમાં ઘાયલ થવાના સૌથી વધારે ઈમરજન્સીના બનાવ નોંધાયા હતા. મહેસાણા જિલ્લામાં પાછલા 24 કલાક દરમિયાન 121 કેસમાં 108 એમ્બ્યુલન્સ દોડતી રહી હતી. ઉત્તરાયણના દિવસે પણ 153 ઈમરજન્સી કેસમાં 108ની ટીમો દોડતી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે,કે વાસી ઉત્તરાયણ પશુ-પક્ષીઓ માટે પણ મુસીબત સાબિત થઇ હતી. ગુરુવારે જિલ્લામાં વિવિધ પ્રજાતિના 95 પક્ષીઓ દોરીથી ઘવાયા હતા.










