બાળલગ્ન પ્રતિબંધ અધિનિયમ-2006 અમલમાં હોવા છતાં અને બાળ સુરક્ષા માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, આંગણવાડી, પોલીસ તેમજ જિલ્લા બાળ સંરક્ષણ એકમ જેવી અનેક સરકારી મશીનરી સતત કાર્યરત હોવા છતાં મહેસાણા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળ લગ્ન નાથવા તમામ સમાજોએ જાગૃત થઈને વ્યાપક ઝુંબેશ ચલાવવી પડશે. એપ્રિલ 2026 થી 22 જુલાઈ 2026 સુધીના માત્ર ચાર જ મહિનાના સમયગાળામાં એન્ટિનેટલ કેર રજીસ્ટ્રેશનમાં 13થી 17 વર્ષની વયજૂથ ધરાવતી 131 જેટલી સગીર દીકરીઓ ગર્ભવતી હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. આ આંકડાઓએ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી અને જાગૃતિ કાર્યક્રમો સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. બીજી તરફ્, માત્ર સરકારી મશીનરીથી જ બાળલગ્ન નાથી શકાશે નહીં તે પણ એટલું જ સત્ય છે. આ પ્રથાને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે તમામ જ્ઞાતિના સમાજો, સ્થાનિક નાગરિકો, આગેવાનો અને પ્રબુધ્ધ અગ્રણીઓ અને સ્વાયત્ત સંસ્થાઓએ આગળ આવીને બાળલગ્ન સામે વ્યાપક ઝુંબેશ ચલાવવી પડશે. મહેસાણા જિલ્લાના તમામ સમાજના હોદ્દેદારો, ગ્રામ પંચાયતના સરપંચો અને જાગૃત નાગરિકો એક થઈને આ વિરુદ્ધ મુહીમ ઉપાડે તે સમયની માંગ છે. જો દરેક સમાજ સ્વયંભૂ આગળ આવીને જાગૃતિ કેળવશે તો જ સરકારી ચોપડેથી બાળલગ્નની આ દૂષણકારી પ્રથાને કાયમી ધોરણે અટકાવી શકાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો