મહેસાણા શહેરમાં શૈક્ષણિક કાર્યમાં પરિવહનની સેવાઓમાં સ્કૂલ સેફ્ટીને ધ્યાને લેતા RTO અને ટ્રાફ્કિ પોલીસ દ્વારા ઓચિંતી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે 6 કલાકે RTOની 15 અધિકારીઓની 5 ટીમોએ શૈક્ષણિક સંસ્થાઓની નજીકના રોડ વિસ્તારમાં ઓચિંતી તપાસ કરી વાહનો ચેકિંગની કાર્યવાહી કરતા 69 વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
મહેસાણા RTO દ્વારા સ્કૂલ સેફ્ટી અંતર્ગત ઓચિંતી વાહન ચેકીંગની કાર્યવાહી કરતા મહેસાણા શહેરમાં RTO અધિકારીઓની 5 જેટલી ટીમોએ શહેરના માનવ આશ્રમ ચોકડી, નાગલપુર રોડ, મોઢેરા રોડ, રાધનપુર રોડ, રામોસણા સર્કલ અને એસટી ડેપો બસ સહિત 6 જેટલી જગ્યાએ ઓચિંતી તપાસ કરી હતી. જે આકસ્મિક તપાસમાં 48 જેટલા વિદ્યાર્થીઓ લાયસન્સ વગર અન્ડર એજ ડ્રાઇવિંગ કરતા ઝડપાયા હતા.
જેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી, તો 17 જેટલા વિદ્યાર્થીઓ પાસે વાહનોના ડોક્યુમેન્ટ ન હોઈ તેમના વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા. જ્યારે પરમીટ વગર સ્કૂલ વેન તરીકે વિદ્યાર્થીઓ ભરી પરિવહન કરતા 8 વાહનોને કુલ 80,000નો મેમો આપવામાં આવ્યો હતો. RTO દ્વારા 1 જ દિવસની આકસ્મિક તપાસમાં 69 જેટલા વાહન ચાલકોને 2.44 લાખ જેટલો દંડ ફ્ટકારવામાં આવ્યો હતો.
ગત વર્ષના ચેકિંગની અસરથી ઇલેક્ટ્રિક વાહન ચલાવતા થયા
મહેસાણા RTOના આંકલન મુજબ સ્કૂલ સેફ્ટી મામલે ભૂતકાળમાં કરાયેલ આકસ્મિક વાહન ચેકિંગ બાદ ચાલુ વર્ષે મોટાભાગના નાની ઉંમરના વિદ્યાર્થીઓએ નિયમન ભંગ ન થાય માટે 25 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ ધરાવતા ઇલેક્ટ્રિક વાહનો લઈ પરિવહન કરતા જોવા મળ્યા હતા. આમ લાયસન્સ વગર પણ વિદ્યાર્થીઓ પરિવહન કરવા નિયત વાહનો વસાવતા હોવાનો નોંધપાત્ર બદલાવ જોવા મળ્યો હતો.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો