જુન મહિનાના બીજા સપ્તાહમાં ઉત્તર ગુજરાતની જીવાદોરી મનાતી ધરોઈ સિંચાઈ યોજનામાં જળ પુરવઠો 51.01 ટકા બચ્યો છે. ધરોઈ જળાશયના કમાન્ડ એરિયામાં સિંચાઈ માટે નહેરમાં 150 ક્યૂસેક પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ઉનાળુ વાવેતરના કેટલાક પાક અને ઘાસચારાનું પિયત થઈ રહ્યું છે. આ ઉપરાંત, ઉનાળુ બાજરી અને જુવાર સહિતનાં વાવેતર માટે પણ સિંચાઈનું પાણી આપવાની શરૂઆત કરાઈ છે. હજુ ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ શરૂ થયો n હોવાથી ધરોઈ ડેમમાં પાણીની આવક સદંતર બંધ છે. નોંધપાત્ર છે કે, ગત ચોમાસાના અંત સમયે ધરોઈ ડેમ સંપૂર્ણ છલકાયો હતો. ધરોઈ ડેમ સાઈટનાં સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ધરોઈ જળાશયની મહત્તમ સપાટી 622 ફૂટ સામે વર્તમાન સપાટી 607.16 ફૂટ બચી છે. વધુમાં, ધરોઈ ડેમમાં સમાવવા પાત્ર મહત્તમ જળ પુરવઠાની 813.14 મીલીયન ઘન મીટરની ક્ષમતા સામે વર્તમાન સમયે પાણીનો જથ્થો 414.76 મિલિયન ઘન મીટર બચ્યો છે. બાષ્પીભવન થતાં તેમજ કમાન્ડ વિસ્તારની કેનાલમાં પાણી છોડવામાં આવતાં સંચિત આ જળ પુરવઠામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઈ રહ્યો છે તેમ છતાં ઉનાળુ પિયત માટે તેમજ પીવાના પાણીની કોઈ અછત નહીં સર્જાય તેમ જણાવાયું છે. જૂન મહિનાની કાળઝાળ ગરમીના વાતાવરણ વચ્ચે પણ ધરોઈ જળાશય મહેસાણા અને પાટણ જિલ્લાઓ માટે જીવાદોરી સાબિત થઈ રહી છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: