મહેસાણા જિલ્લાના કડી તાલુકાના આદુંદરા ગામે રહેતા 20 વર્ષીય શનિ રાવળ નામના યુવકની નિર્મમ હત્યાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રેમ સંબંધની અદાવત રાખી અમદાવાદના બાવળાના ત્રણ શખ્સોએ યુવકનું જાહેરમાં અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતાર્યો છે. કડી પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


પિકઅપ ડાલામાં અપહરણ કરી માર માર્યો

ઘટનાની વિગતો મુજબ, શનિ રાવળ જ્યારે થોળ ત્રણ રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અમદાવાદના બાવળાથી પિકઅપ ડાલામાં આવેલા ત્રણ શખ્સોએ તેનું અપહરણ કર્યું હતું. અપહરણકારોએ ચાલુ ગાડીએ યુવકને ઢોર માર માર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે યુવકનું મોત નિપજ્યું હતું ત્યારબાદ પુરાવાનો નાશ કરવા માટે આરોપીઓએ તેની લાશને કેનાલમાં ફેંકી દીધી હતી.

લખતર કેનાલમાંથી મળી લાશ

યુવક ગુમ થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી, જે દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના લખતર પાસે આવેલી સૌરાષ્ટ્ર નર્મદા મુખ્ય કેનાલમાંથી શનિ રાવળનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ પ્રેમ સંબંધની અદાવત હોવાનું બહાર આવ્યું છે. કડી પોલીસે બાવળાના ત્રણેય શખ્સો વિરુદ્ધ અપહરણ અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે. 20 વર્ષીય આશાસ્પદ યુવકની હત્યાને પગલે આદુંદરા ગામમાં શોક સાથે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો----      Gandhinagar : ચૂંટણીનો જંગ હવે સિમ્બોલના સહારે, ચૂંટણી પંચે પક્ષો અને અપક્ષો માટેના પ્રતીકોનું લિસ્ટ કર્યું જાહેર

  • Follow us on: