મહેસાણા જિલ્લામાં વેલોડા-પ્રાંતિજ 400 કે.વી. ટ્રાન્સમિશન લાઇન અને ટાવર ઊભા કરવાના પ્રોજેક્ટ હેઠળ અસરગ્રસ્ત ખેડૂતોની જમીન, પાક તથા વૃક્ષોના નુકસાનનું વળતર નક્કી કરવાની પ્રક્રિયાને લઈને અસરગ્રસ્ત ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. વળતરની રકમ નક્કી કરવા માટે યોજાયેલી મૂલ્યાંકન સમિતિની બેઠકમાં રજૂ કરવામાં આવેલી ગણતરી પધ્ધતિ સામે કડી, જેતલવાસણા, કરલી, ભાન્ડુ, કેલીસણા, કડા અને લક્ષ્મીપુરાના ખેડૂતોએ વાંધો ઉઠાવી રોષ વ્યક્ત કર્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, અસરગ્રસ્ત ખેડૂતોને વ્યાજબી વળતર મળી રહે તે હેતુથી IBBI માન્ય મૂલ્યાંકનકારોની નિમણૂક અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજવા અંગે મહેસાણા જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી દ્વારા ગુરુવારે બપોરે 12.00 કલાકે કલેક્ટર કચેરીના કોન્ફ્રન્સ હોલમાં બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં જમીન માલિકોના પ્રતિનિધિઓ, ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઇડર, જિલ્લા કલેક્ટર દ્વારા નિમાયેલા મૂલ્યાંકનકારો તેમજ જેટકો, ટોરેન્ટ પાવર અને અદાણી ટ્રાન્સમિશન લાઇન જેવી સંબંધિત કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મૂલ્યાંકન સમિતિની બેઠક દરમિયાન વળતરની રકમ નક્કી કરવાની પધ્ધતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ત્રણ પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા ભાવ કે આંકડાઓ પૈકી સૌથી ઓછા બે પ્રતિનિધિઓના ભાવની સરેરાશ કાઢીને વળતરની રકમ નક્કી કરવાની વ્યવસ્થા અંગે જણાવવામાં આવ્યું હતું. જો કે, વળતર નક્કી કરવાની આ કાર્યપધ્ધતિ સામે ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. ખેડૂતોના હિતમાં યોગ્ય અને ન્યાયી વળતર મળે તે જરૂરી હોવાની રજૂઆત સાથે તેમણે સમિતિ સમક્ષ પોતાની નારાજગી અને વાંધા રજૂ કર્યા હતા.
