TAT-HS મુખ્ય પરીક્ષાના પરિણામમાં ગોટાળો થયાનો આક્ષેપ સાથે ઉમેદવારોએ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતુ.8 ઓગસ્ટના રોજ લેવાયેલી TAT-HS મુખ્ય પરીક્ષાનું પરિણામ 5 નવેમ્બરના રોજ સત્તાવાર વેબસાઇટ પર જાહેર થયું હતું.આ પરિણામમાં મેળવેલ ગુણ બાબતે હજારો ઉમેદવારોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
ઉમેદવારોએ આવેદન પત્રમાં જણાવ્યું હતુ કે,નિષ્પક્ષ ન્યાયની આશાએ રજૂઆત કરવામાં આવી છે.અમારી રજૂઆતના તમામ મુદ્દાઓ પર ધ્યાન આપી સત્વરે ઉમેદવારોના હિતમાં નિર્ણય આવે તેવી અમારી માંગણી છે.આવેદનપત્રમાં ઉમેદવારોએ પોતાની લાયકાતનો મુદ્દો પણ ભારપૂર્વક ઉઠાવ્યો છે.તેમના જણાવ્યા મુજબ, આ પરીક્ષા માટે દરેકને પૂરતો સમય મળ્યો હતો અને તેની ગંભીરતા સૌને ખબર હતી. આ પરીક્ષામાં તાજેતરના વિદ્યાર્થીઓથી લઈને પ્રિલિમ્સ ટોપર, જે તે વિષયના યુનિવર્સિટી ગોલ્ડ મેડાલિસ્ટ,10 થી 15 વર્ષના અનુભવી શિક્ષકો, પી.એચ.ડી. કરતા ઉમેદવારો, પુસ્તક પ્રકાશિત કરતા શિક્ષકો અને શિક્ષણમંત્રીના હસ્તે શ્રોષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવેલ શિક્ષકો સામેલ હતા.આવા ઉમેદવારોનું પરિણામ સરેરાશ 80 થી 110 વચ્ચે જ આવ્યું છે. જ્યારે 150 થી ઉપરનું લખાણ સચોટ રીતે લખેલ હોવા છતાં માર્ક બિલકુલ ચોંકાવનારા આવ્યા છે.ઘણી મહેનત પછી પણ ધાર્યું પરિણામ મળ્યું નથી.જેને લઇ ઉમેદવારોમાં રોષ છે.ત્યારે ઉમેદવારોએ માંગણી કરી હતી કે, બન્ને પેપરના ગુણ અલગ-અલગ જાહેર કરવામાં આવે, દરેક ઉમેદવારની વિષયવાર યાદી જાહેર થાય, પોતે લખેલી ઉત્તરવહી જોવા મળે, આન્સર કી જાહેર થાય અને પરિણામના આંકડામાં દેખાતી વિસંગતતાનો ખુલાસો આપવામાં આવે. સાથે જ તપાસનારની લાયકાત અને મૂલ્યાંકનના માપદંડ પણ જાહેર કરવા જોઈએ. ઉમેદવારો દ્વારા ઉત્તરવહીનું પુનઃ મૂલ્યાંકન, રિએસેસમેન્ટ તથા રિચેકિંગ કરવામાં આવે સહિતની માંગણી કરવામાં આવી હતી.
