મહેસાણા GSRTCની સેવાઓ ફ્રી એકવાર વિવાદના વમળમાં આવી હતી. મહેસાણા-ઊંઝા હાઈવે પર આવેલી એસટી માન્ય હોટલ પર મુસાફ્રો પાસે ખાણી-પીણીના ગેરવ્યાજબી ભાવ વસૂલવામાં આવતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભાંડુ ગામ પાસે આવેલી 'માનસી હોટલ' પર એસટીના મુસાફ્રો સાથે રીતસરની 'ઉઘાડી લૂંટ' ચલાવવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠતા મુસાફ્રોમાં ભારે રોષ ભભૂક્યો હતો. વાયરલ વીડિયો અનુસાર, મહેસાણા-ઊંઝા હાઈવે પરથી પસાર થતી એસ.ટી.બસોને ભાંડુ પાસે આવેલી માનસી હોટલ પર હોલ્ડ (વિરામ) માટે ઉભી રાખવામાં આવે છે. આ હોટલ એસટી તંત્ર દ્વારા નિર્ધારિત કરાયેલું અધિકૃત રોકાણનું સ્થળ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જોકે, અહીં મુસાફ્રોને આપવામાં આવતી સુવિધાઓ અને વસ્તુઓના ભાવ નિયમ વિરુદ્ધ હોવાની બુમરાડ ઉઠી હતી. વીડિયોમાં એક જાગૃત મુસાફ્રે આક્ષેપ કર્યો છે કે, જે ચાની કિંમત સામાન્ય રીતે 10 રૂપિયા હોય છે, તેના અહીં 20 રૂપિયા વસૂલવામાં આવે છે. આ જ રીતે અન્ય ચીજવસ્તુઓના ભાવ પણ બજાર ભાવ કરતા બમણા કે તેથી વધુ લેવામાં આવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો