ભારતીય સંસ્કૃતિમાં દિવાળી પર્વ માત્ર દીપ પ્રગટાવીને ઉજવવાનો તહેવાર નથી, પરંતુ ધર્મ, આસ્થા, સમૃદ્ધિ, પરંપરા અને આધ્યાત્મિક ચેતનાનો અનોખો સંગમ છે. ધનતેરસથી શરૂ થઈ કાળીચૌદશ, દિવાળી, બેસતા વર્ષ, ભાઈબીજ અને લાભપાંચમ સુધીના દિવસોનું વિશેષ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ રહેલું છે. ધનતેરસે સુખ-સમૃદ્ધિની કામના, કાળીચૌદશે નકારાત્મક શક્તિઓ પર વિજયની પ્રાર્થના, દિવાળીએ પ્રકાશ અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ તથા બેસતા વર્ષથી નવા સંકલ્પો અને શુભ શરૂઆતની પરંપરા ભારતીય જીવનશૈલીમાં વણાયેલી છે. આવા પવિત્ર પર્વોની ઉજવણીને લઈને યાત્રાધામ બહુચરાજી ખાતે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.કાળીચૌદશથી લાભપાંચમ સુધી વિવિધ તહેવારો પરંપરાગત ધાર્મિક વિધિ-વિધાન અને ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવશે. ખાસ કરીને કાળીચૌદશની મધ્યરાત્રિએ 12 કલાકે માતાજીની વિશેષ મહાઆરતી યોજાશે, જ્યારે દિવાળી અને બેસતા વર્ષના પાવન અવસરે સવારે 10:30 કલાકે માતાજીને સોનાની થાળીમાં રાજભોગ ધરાવવાની પરંપરા નિભાવવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, તા. 6 નવેમ્બરે ધનતેરસ, તા. 7 નવેમ્બરે કાળીચૌદશ નિમિત્તે રાત્રે 12 કલાકે વિશેષ મહાઆરતી, તા. 8 નવેમ્બરે દિવાળી, તા. 10 નવેમ્બરે બેસતા વર્ષ, તા. 11 નવેમ્બરે ભાઈબીજ અને તા. 14 નવેમ્બરે લાભપાંચમની ઉજવણી કરવામાં આવશે. તહેવારો દરમિયાન માઈભક્તોને દર્શનમાં કોઈ અગવડતા ન પડે તે માટે મંદિરનાં દ્વાર દરરોજ સવારે 5થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લાં રાખવામાં આવશે. દિવાળીના પર્વ દરમિયાન ગુજરાત સહિત અન્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીનાં દર્શનાર્થે બહુચરાજી ધામે ઉમટી પડે તેવી સંભાવનાને પગલે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરાયું છે.
