બહુચરાજી તાલુકામાં આગામી 11 જૂનથી નર્મદાની માઇનોર કેનાલોમાં સિંચાઈ માટે પાણી છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. વરસાદી માહોલમાં વિલંબ અને ખેતીની તૈયારીઓ વચ્ચે લેવાયેલા આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.રાજ્યભરના અનેક વિસ્તારોમાંથી ધારાસભ્યો, સાંસદો તેમજ ખેડૂત આગેવાનો દ્વારા નર્મદા કેનાલમાં વહેલી તકે પાણી છોડવાની માંગ સાથે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી. ખેડૂતોની માંગ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે કેનાલોમાં પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.નર્મદા કેનાલમાં પાણી પહોંચતા ખેડૂતોને કપાસ, ઘાસચારો તેમજ અન્ય ખરીફ્ પાકોના વાવેતરની કામગીરી સમયસર શરૂ કરવામાં સરળતા રહેશે. પાણીની ઉપલબ્ધતાને કારણે ખેતી ખર્ચમાં પણ રાહત મળશે અને સિંચાઈ માટેના વૈકલ્પિક સ્ત્ર્રોતો પરનો આધાર ઘટશે.તાજેતરમાં વરસાદની અનિશ્ચિતતા અને વરસાદ ખેંચાવાની સ્થિતિ વચ્ચે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા લેવાયેલા આ નિર્ણયને ખેડૂતો માટે લાભદાયી ગણાવવામાં આવી રહ્યો છે. બહુચરાજી પંથકના ખેડૂતોએ સરકારના આ નિર્ણયને આવકારી સમયસર પાણી ઉપલબ્ધ કરાવવા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે.ખેડૂતોના જણાવ્યા મુજબ, નર્મદા કેનાલમાં પાણી છોડાતા ખેતીની તૈયારીઓને વેગ મળશે અને આગામી ખરીફ્ સિઝન માટે પાક આયોજન વધુ સુગમ બનશે. જેના કારણે સમગ્ર પંથકમાં કૃષિ પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે.

Vadodara: નસવાડીના સાંકળ (ત) ગ્રામ પંચાયત ખાતે જનકલ્યાણ શિબિર યોજાઇ









