મહેસાણા મહાનગરપાલિકામાં આવેલ માનવ આશ્રામ વિસ્તારમાં 108 રોડ પર કેટલાક રહીશો દ્વારા દબાણ કરવામાં આવ્યું હોવા અંગેની રજૂઆત તંત્રને મળી હતી. રજૂઆત મળતાની સાથે મહેસાણા મહાનગરપાલિકા તંત્ર તુરંત એક્શન મોડમાં આવ્યું હતું. અને આ દબાણોને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. શહેરના માનવ આશ્રામ વિસ્તારમાં આવેલ 108 રોડ પર અનેક સોસાયટીઓના લોકોની અવરજવર રહી છે. ત્યારે આ રોડ પર કેટલાક મિલકત ધારકો દ્વારા ઓટલા અને પગથિયાં તેમજ સીડી સહિતના દબાણો ઊભા કરવામાં આવ્યા હતા.
રસ્તાની જગ્યા પર કરવામાં આવેલા આ દબાણો અન્ય નાગરિકો માટે અડચણરૂપ અને જોખમી હોવા અંગેની રજૂઆત મહેસાણા મહાનગરપાલિકાને મળી હતી રજૂઆત મળતા જ મહેસાણા મહાનગરપાલિકાના સ્ટાફ્ દ્વારા બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર જેટલી મિલકતના દબાણો દૂર કરી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો.
