મહેસાણા શહેરમાં મહાનગરપાલિકાએ શહેરના નાના-મોટા બધા રોડને આઈકોનિક કરવાનું બીડું ઝડપ્યું હોય તેમ તમામ રોડ ઉપર હાલ બ્લોકનું સામ્રાજ્ય છવાઈ ગયું છે.


વિસનગર રોડ ઉપર તેમજ મોઢેરા રોડ ઉપર જે રીતે રોડની સાઈઝ ઘટાડીને તેમજ ડિઝાઈનર ફૂટપાથ અને પાર્કિંગ માટે લેન ડેવલપ કરવામાં આવી રહી છે. તેની સામે બંને વિસ્તારોમાં ભારે નારાજગી ફેલાઈ છે. ગુરુવારે રાત્રે મોઢેરા રોડ ઉપર નિલકંઠ મહાદેવના મંદિર મોઢેરા રોડની તમામ સોસાયટીના પ્રમુખ, મંત્રી અને સક્રિય સભ્યોએ એકઠા થઈ ટ્રાફિકનું ભારણ વધારનારા આઈકોનિક રોડ સામે રોષ પ્રગટ કર્યો હતો. આ વિસ્તારના નાગરિકોએ એકી અવાજે જણાવ્યું હતું કે, રોડ ઉપર દબાણો હોય તો પહેલાં રાધનપુર રોડની જેમ તે તોડીને રોડ ખુલ્લો કરો, ત્યાર બાદ તે જગ્યા ઉપર ફૂટપાથ અને પાર્કિંગ સ્પેસ ડેવલપ કરો. રોડ નાનો કરી ફૂટપાથ અને પાર્કિંગ ડેવલપ કરવાથી આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા વધારે વકરશે.

મોઢેરા રોડ ઉપર એફસીઆઈ ગોડાઉન, બે-બે જીઆઈડીસી તેમજ પાર્ટી પ્લોટ અને અનેક સમાજોની વાડીઓ આવેલી છે. જેથી પહેલાથી જ આ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા છે. મહાનગરપાલિકા આઈકોનિક રોડના નામે હયાત રોડની પહોળાઈ ઘટાડીને ફૂટપાથ અને પાર્કિંગ સ્પેસ ડેવલપ કરશે તો ટ્રાફિકની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે. અને એક વર્ષ બાદ ટ્રાફિકનો પ્રશ્ન હલ કરવા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ ફૂટપાથ તોડવી પડશે. જેથી વ્હાલા દવલાં કર્યા સિવાય રોડની બંને બાજુના દબાણો સૌપ્રથમ હટાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તેમજ મોઢેરા રોડને સીકસલેન યથાવત રાખવા પણ માંગણી કરી હતી.

વિસનગર રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા વધશે

વિસનગર રોડ ઉપર તાજેતરમાં જ 3-3 લાઈનનો નવો રોડ બનાવવામાં આવ્યો હતો. જેમાંથી બંને બાજુ એક-એક સ્પેસ ડેવલપ કરવા માટે તોડી નાંખવામાં આવી રહી છે. હવે, આ બે લાઈનના રોડ ઉપર એસ.ટી. બસ પસાર થાય તો બાજુમાંથી અન્ય વાહન માટે પસાર થવું પણ જોખમી બન્યું છે. જો રોડની પહોળાઈ ઘટશે તો અકસ્માતનું જોખમ વધશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: