ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી અબોલ પશુ-પક્ષી ઘાયલ ન થાય તેની સતર્કતા સાથે આવતીકાલ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી રાજ્યવ્યાપી કરુણા અભિયાન શરૂ કરાયું છે.


જે અંતર્ગત મહેસાણા જિલ્લામાં ઘાયલ પશુ-પક્ષીઓની માહિતી આપવા માટે કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે. ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે 12 સારવાર કેન્દ્રો અને કલેકશન સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા છે. આ અભિયાનના દિવસો દરમિયાન દરરોજ સવારે 7 થી સાંજે 6 કલાક સુધી પશુપાલન વિભાગ અને વન વિભાગ દ્વારા ઘાયલ પશુ-પક્ષીઓને વિના મુલ્યે સારવાર પૂરી પાડવામાં આવશે. વન વિભાગ અને પશુપાલન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે ઉત્તરાયણે દરમિયાન ઘાયલ થતાં પશુ-પક્ષીઓની ત્વરિત સારવાર વ્યવસ્થા માટે વોટ્સએપ નંબર, વેબસાઈટ કાર્યરત કર્યા છે. વોટ્સએપ નંબર 8320002000 પર અને વેબસાઈટ પર સર્ચ કરવાથી પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.

પક્ષીઓને ઘાયલ થતાં બચાવવા આટલું કરીએ

વહેલી સવારે તેમજ મોડી સાંજે પતંગ ઉડાડવાનું ટાળીએ. અકસ્માતે પક્ષીઓ દોરીમાં ફ્સાય તો દોરી ના ખેચતા ઢીલ મુકવી. લાઉડ સ્પીકર કે ફ્ટાકડાનો ઉપયોગ ન કરવો જેથી પક્ષીઓ ભડકવાનું પ્રમાણ ઓછું રહે. પતંગ ચગાવવા ચાઇનીઝ દોરી,પ્લાસ્ટિક દોરી અથવા વધારે કાચ પાયેલી દોરીનો ઉપયોગ કરવાનું ટાળીએ. ઘાયલ પશુ-પક્ષીને સમયસર નજીકના પશુ સારવાર કેન્દ્ર અથવા રેસ્ક્યુ સેન્ટર ખાતે પહોંચાડીએ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: