ઉત્તર ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસું નિરાશાજનક રહેતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ ન પડયા બાદ ચોમાસાની વિદાય થતાં હવે સિંચાઈ માટે મુશ્કેલી ઊભી થઈ છે. વરસાદની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે. મહેસાણા જિલ્લામાં 80.36 ટકા, પાટણમાં 82.06 ટકા, બનાસકાંઠામાં 63.83 ટકા, વાવ-થરાદમાં 76.24 ટકા, સાબરકાંઠામાં 61.11 ટકા અને અરવલ્લીમાં 62.89 ટકા વરસાદ નોંધાયો છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષમાં 2022માં 115.55 ટકા, 2023માં 92.48 ટકા, 2024માં 133.84 ટકા, 2025માં 98.36 ટકા અને 2026માં માત્ર 80.36 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ અનુસાર, ઓક્ટોબરની શરૂઆતમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે. વરસાદની અછતથી ડાંગર, કપાસ, મગફ્ળી, તલ અને બાજરી સહિતના ખરીફ્ પાકને નુકસાન થવાની ભીતિ છે. બિયારણ, ખાતર અને ડીઝલ પાછળ ખર્ચ કર્યા બાદ પાક નિષ્ફ્ળ જવાથી ખેડૂતો પર આર્થિક બોજ અને દેવું વધવાની શક્યતા છે. ઓછા વરસાદને કારણે બોરવેલ અને કૂવાના જળસ્તર પણ નીચે જઈ રહ્યાં છે. જમીનમાં ભેજનો અભાવ અને અપૂરતા વીજપુરવઠાને કારણે શિયાળુ પાકનું વાવેતર કરવું કે નહીં તે અંગે ખેડૂતો અવઢવમાં છે. પશુપાલકોને લીલા ઘાસચારા અને પીવાના પાણીની અછતનો સામનો કરવો પડે તેવી શક્યતા છે, જેની અસર દૂધ ઉત્પાદન પર પણ પડી શકે છે. સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ, સુજલામ્ સુફ્લામ્ કેનાલ દ્વારા સિંચાઈનું પાણી નહીં મળે તો ઉભા પાક નિષ્ફ્ળ જઈ શકે છે. ખેડૂત સંગઠનોએ સરકાર પાસે સર્વે કરાવી તાત્કાલિક સહાય, રાહતદરે બિયારણ અને પૂરતો વીજપુરવઠો આપવાની માંગ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો