મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મલાવ ગામમાં ગતરોજ કરુણ ઘટના બની હતી. ગામમાં અચાનક મહાકાય ઝાડ ધરાશાયી થતા તેની નીચે ત્રણ લોકો દબાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં 65 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે બે મહિલાઓનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, મલાવ ગામમાં અચાનક એક મોટું ઝાડ ધરાશાયી થયું હતું. તે સમયે ઝાડની નીચે ઉભેલા ત્રણ લોકો તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને મહેસાણા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. ફાયરના જવાનોએ કટર મશીન અને દોરડાની મદદથી ઝાડના થડ અને ડાળીઓને કાપીને બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનામાં 65 વર્ષીય લીલાબેન પટેલનું ગંભીર ઈજાઓના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે ભીખીબેન સેનમા અને વીણાબેન સેનમાને સમયસર બહાર કાઢી લેવામાં આવતા તેમનો બચાવ થયો હતો. મલાવ ગામમાં બનેલી આ ઘટનાના સમાચાર ફેલાતા સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મૃતકના પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: