મહેસાણાના તાવડિયા ગામના રહીશો અને ખેડૂતો આજે સરકારની ટાઉન પ્લાનિંગ અને ડેવલપમેન્ટ પ્લાન સ્કીમ સામે રણચંડી બન્યા છે. ગ્રામજનોની જાણ બહાર મંજૂર કરવામાં આવેલા 12 થી 80 મીટરના પહોળા રિંગ રોડ અને ઇન્ડસ્ટ્રિયલ ઝોન સામે ગ્રામજનોએ ભારે આક્રોશ સાથે કલેક્ટર કચેરીમાં સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું. ગ્રામજનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો તેઓ આગામી તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરશે.
ખેતી અને પશુપાલન છીનવાઈ જવાનો ડર
તાવડિયા ગામના ખેડૂતો અને પશુપાલકોની મુખ્ય રજૂઆત છે કે, રહેણાંક વિસ્તારની અત્યંત નજીક ઇન્ડસ્ટ્રિયલ ઝોન બનાવવાથી નાના ખેડૂતોની જમીનો છીનવાઈ જશે. ગામની સીમમાં આટલા પહોળા રિંગ રોડ બનાવવાથી પશુપાલન પર નિર્ભર પરિવારો પાયમાલ થઈ જશે. ગ્રામજનોનો આક્ષેપ છે કે સ્થાનિકોને વિશ્વાસમાં લીધા વિના જ આ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.













