મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગની વડનગર તાલુકા આરોગ્ય કચેરી હેઠળ આવતા શાહપુર(વડ) સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પજ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા કર્મચારીને રસ્તામાંથી ખાતેદારની સહી વાળો બ્લેન્ક ચેક મળી આવ્યો હતો.આ કર્મચારીએ તેનો કોઈ દુરુપયોગ ન થાય તે આશયથી ખાતેદારની બેન્કમાં પહોંચી ઉક્ત ચેક બેન્કમાં જમા કરાવ્યો હતો.તો બેન્ક દ્વારા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.

મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગના વડનગર તાલુકા આરોગ્ય કચેરી હેઠળ આવતા શાહપુર(વડ) સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પજ હેલ્થ વર્કર તરીકે જહીરઅબ્બાસ સોલંકી ફરજ બજાવે છે. આ કર્મચારી પોતાની ફરજ પર જતા હતા, ત્યારે તેમને રસ્તામાં એક્સિસ બેન્ક અમદાવાદ શાખામાં ખાતું ધરાવતા એક ખાતેદારનો ચેકની બન્ને તરફ્ સહી વાળો બ્લેન્ક ચેક મળી આવ્યો હતો. આ કર્મચારીએ પોતાની જવાબદારી સમજી મહેસાણાના રાધનપુર ચોકડી નજીક આવેલી એક્સિસ બેન્કમાં પહોંચી જઈ બેન્કના અધિકારીને આ ચેક જમા કરાવી તેના ખાતેદારને પરત કરવા રજૂઆત કરી હતી. બેન્કના અધિકારીએ આ ખાતેદારની વિગતો તપાસી હતી, તો મોબાઈલ નંબર આધારે તેનો સંપર્ક સાધવા પ્રયત્ન કર્યો હતો. જોકે સંપર્ક ન થઇ શકતા ઉક્ત ચેકનો દુરુપયોગ ન થાય તે હેતુસર કર્મચારીની સામે જ બેન્ક અધિકારીએ ચેકનો નાશ કર્યો હતો.