રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ્ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર અને મહેસાણા મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં ખેલ મહાકુંભ-2026નું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવના રજીસ્ટ્રેશન પ્રક્રિયાની સમીક્ષા કરવા માટે શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના મહત્તમ રમતવીરો આ મહોત્સવમાં સહભાગી થાય તે માટે 22, સપ્ટેમ્બર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા જાહેર અપીલ કરી હતી. રાજ્યના છેવાડાના ગામડાઓથી લઈને મહાનગરો સુધીની રમત પ્રતિભાઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાના હેતુથી આ વર્ષે પણ ગ્રામ્ય, તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ વિવિધ સ્પર્ધાઓનું આયોજન હાથ ધરાયું છે. ખેલ મહાકુંભ-2026 અંતર્ગત રમત ક્ષેત્રે રુચિ ધરાવતા નાના બાળકોથી માંડીને મોટી ઉંમરના વડીલો માટે આ એક સુવર્ણ તક છે. આ વર્ષે શાળા કક્ષાએ અંડર-9, અંડર-11, અંડર-14 અને અંડર-17 વયજૂથ ઉપરાંત ઓપન એજ ગ્રુપ તેમજ 40 વર્ષથી ઉપરના અને 60 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો માટે પણ વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે આયોજન અંગે માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે જિલ્લાની કોલેજો, જીમખાનાઓ અને સ્પોર્ટ્સ સંકુલોમાં વિશેષ કેમ્પ યોજીને વધુમાં વધુ રમતવીરો રજીસ્ટ્રેશન કરાવે તેવું આયોજન કરવું અનિવાર્ય છે.
ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા ઈચ્છતા તમામ ખેલાડીઓએ 22, સપ્ટેમ્બર 2026 સુધીમાં વેબસાઈટ https://khelmahakumbh.gujarat.gov.inપર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં પારદર્શિતા જળવાય તે હેતુથી દરેક ખેલાડી મહત્તમ બે રમતોમાં જ ભાગ લઈ શકશે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ મહોત્સવ અંતર્ગત શાળા અને ગ્રામ્ય કક્ષા બાદ તાલુકા, જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાની ટીમ સ્પર્ધાઓ યોજાશે. જે બાદ વિજેતા ખેલાડીઓ ઝોન અને અંતે રાજ્ય કક્ષાએ પોતાનું કૌવત બતાવશે.
