બહુચરાજી બસ સ્ટેન્ડ સામે હાઇવે તરફ્ જતા માર્ગ પર બંને બાજુ થયેલાં ગેરકાયદેસર દબાણો બુધવારે નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવતાં વાહનચાલકો અને મુસાફરોને રાહત મળી છે. બસ સ્ટેન્ડ આસપાસ કેબિનો, અન્ય દબાણો તેમજ મુસાફરોને લેવા માટે રસ્તા પર ઊભાં રહેતાં ખાનગી વાહનોના કારણે લાંબા સમયથી ટ્રાફ્કિની સમસ્યા સર્જાતી હતી. બસ સ્ટેન્ડના પ્રવેશદ્વાર પાસે દબાણો અને ખાનગી વાહનોની ભીડને કારણે એસટી બસ સહિતનાં વાહનોની અવરજવરમાં મુશ્કેલી પડતી હતી. બસોના પ્રવેશ અને બહાર નીકળવાના સમયે વારંવાર ટ્રાફ્કિજામ સર્જાતો હોવાથી મુસાફરો તેમજ વાહનચાલકોને હાલાકી ભોગવવી પડતી હતી. આ સમસ્યાને લઈને સ્થાનિકો દ્વારા નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆતોને પગલે નગરપાલિકા દ્વારા બુધવારે કાર્યવાહી હાથ ધરી બસ સ્ટેન્ડની બંને બાજુના નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. દબાણો હટાવાતાં માર્ગ ખુલ્લો થતાં બસોની અવરજવર સરળ બની છે. આ કાર્યવાહીને પગલેદૈનિક મુસાફરી કરતા લોકો, એસટી બસના ચાલકો અને અન્ય વાહનચાલકોને રાહત મળી છે. જોકે, બસ સ્ટેન્ડ આસપાસ ફરી દબાણો ન થાય તેમજ ખાનગી વાહનો માર્ગ પર આડેધડ પાર્કિંગ કરીને ટ્રાફ્કિમાં અવરોધ ઊભો ન કરે તે માટે તંત્ર દ્વારા કાયમી દેખરેખ રાખવામાં આવે તેવીનગરજનોની અપેક્ષા છે.
