ઉ.ગુજરાતના મહત્વના ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર એવા મહેસાણામાં આધુનિક ઇન્ફેર્મેશન ટેક્નોલોજી (IT) હબ સ્થાપવાની માંગ લોકસભામાં ઉઠાવવામાં આવી છે. મહેસાણાના સાંસદ હરીભાઈ પટેલ દ્વારા લોકસભાના નિયમ-377 હેઠળ આ મહત્વનો મુદ્દો રજૂ કરીને કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.
મહેસાણા અને આસપાસના વિસ્તારમાં શિક્ષિત અને કુશળ યુવાનોની મોટી સંખ્યા છે. આમ છતાં, સ્થાનિક સ્તરે આઈટી ઉદ્યોગોની મર્યાદિત હાજરીને કારણે એન્જિનિયરિંગ, કમ્પ્યુટર એપ્લિકેશન અને મેનેજમેન્ટનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા યુવાનોને રોજગારી માટે અમદાવાદ, ગાંધીનગર તેમજ અન્ય મોટા શહેરો તરફ્ સ્થળાંતર કરવાની ફરજ પડે છે. કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી મહેસાણામાં આઈટી હબ વિકસાવવા આઈટી પાર્ક અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સેન્ટર, સંશોધન (R&D) સુવિધાઓ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, IT અને ITES કંપનીઓ માટે પ્રોત્સાહક નીતિઓની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવે તો ઉ.ગુજરાતના વિકાસને નવી દિશા મળશે. આ પ્રસ્તાવના અમલીકરણથી સ્થાનિક યુવાનોને ઘરઆંગણે જ મોટાપાયે રોજગારીની તકો મળશે. આ ઉપરાંત, ઉદ્યોગ સાહસિકતાને વેગ મળશે, ખાનગી રોકાણ આકર્ષાશે અને ઉ.ગુજરાતના સંતુલિત આર્થિક તથા સામાજિક વિકાસને નવી દિશા મળશે. આ પહેલથી કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત જેવા રાષ્ટ્રીય અભિયાનોને પણ બળ મળશે.
