ખેરાલુ તાલુકાના નાની હિરવાણી ગામનો વતની 35 વર્ષીય સુરેશકુમાર ગણેશભાઈ ચૌહાણ નામનો યુવક રાત્રિ રોકાણ માટે ખેરાલુના ઇસ્કોન ગેસ્ટ હાઉસમાં આવ્યો હતો. સવારે જ્યારે ચેકઆઉટનો સમય પૂરો થવા છતાં રૂમનો દરવાજો ન ખુલ્યો, ત્યારે ગેસ્ટ હાઉસના સ્ટાફે અવારનવાર દરવાજો ખખડાવ્યો હતો. અંદરથી કોઈ પ્રતિભાવ ન મળતા સ્ટાફને શંકા ગઈ હતી અને તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસને આ અંગે જાણ કરી હતી.
પોલીસે બારીમાંથી પ્રવેશ કરી દરવાજો ખોલ્યો
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો મૃતકના પરિવારજનોને સાથે રાખીને ગેસ્ટ હાઉસ પહોંચ્યો હતો. રૂમ અંદરથી બંધ હોવાને કારણે પોલીસે સીડીની મદદ લીધી હતી અને રૂમની પાછળની બારીમાંથી અંદર પ્રવેશ કર્યો હતો. અંદર જઈને જોતા યુવકે પંખા સાથે બેડની ચાદર બાંધીને ગળેફાંસો ખાધેલી હાલતમાં લટકતો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈને પરિવારજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.
