મહેસાણા જિલ્લાના ખેરાલુ અને સતલાસણા વિસ્તારના ખેડૂતો માટે પાણી મુદ્દે મોટી રાહતની જાહેરાત થઈ છે. ધરોઈ ડેમમાંથી પાણી લિફ્ટ કરીને આસપાસના તળાવો અને ચેકડેમો ભરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ યોજનાથી વિસ્તારમાં લાંબા સમયથી ચાલી આવતી પાણીની અછત ઘટાડવામાં મદદ મળશે. સરકાર દ્વારા પાઈપલાઈન મારફતે પાણી લિફ્ટિંગની વ્યવસ્થા કરવાની યોજના બનાવવામાં આવી છે.
14 ગામોના તળાવો અને 24 ચેકડેમો ભરાશે
આ પ્રોજેક્ટ હેઠળ હડોલ અને ડભોડા આસપાસના 14 ગામોના તળાવો ભરવામાં આવશે. સાથે જ 24 ચેકડેમોને પણ પાણીથી ભરવાની મંજૂરી આપવામાં આવી છે. આ કામગીરી માટે લગભગ 95.85 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મળતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે. પાણી ઉપલબ્ધ થતા ખેતી માટે સિંચાઈ સુવિધા વધુ મજબૂત બનશે અને ખેડૂતોને પાક માટે જરૂરી પાણી સમયસર મળી રહેશે.
