મહેસાણામાં આવેલી સ્ટેટ R&B (માર્ગ અને મકાન વિભાગ) ની પેટા વિભાગની ઓફિસમાં આજે અચાનક આગ લાગવાની ઘટના બનતા અફરાતફરી મચી ગઈ હતી. ઓફિસના કમ્પાઉન્ડમાં ખુલ્લામાં પડેલા જૂના ભંગારના જથ્થામાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉંચે સુધી દેખાતા ઓફિસના કર્મચારીઓ અને આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.


ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબૂ

ફાયર વિભાગને આગ લાગતાની સાથે જ જાણ કરી દેવામાં આવી હતી. મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ ફાયર ફાઈટરોની ત્વરિત કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકાવી હતી અને તેને ઠારી દેવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ

આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. શોર્ટ સર્કિટને કારણે અથવા કોઈ અન્ય કારણસર ભંગારમાં આગ લાગી હોય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઓફિસ સત્તાવાળાઓ દ્વારા આગની આ ઘટનાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. સરકારી કચેરીમાં લાગેલી આ આગને પગલે ફાયર સેફ્ટીની સજ્જતાને લઈને પણ સ્થાનિક સ્તરે ચર્ચાઓ શરૂ થઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: