મહેસાણા જિલ્લાના કડી APMC ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિમાં સ્થાન મળ્યા બાદ પ્રથમ વખત કડી પહોંચેલા નીતિન પટેલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને પક્ષની રણનીતિ સ્પષ્ટ કરી હતી. તેમણે કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે, આગામી 45 દિવસમાં 10 હજારથી વધુ ઉમેદવારોની પસંદગી કરવાની મોટી જવાબદારી પક્ષે સોંપી છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને નીતિન પટેલનું નિવેદન
નીતિન પટેલે ટિકિટ વિતરણના માપદંડો અંગે સ્પષ્ટ સંકેત આપતા કહ્યું હતું કે, "મારો માણસ હોય એટલે સારો એવું નહીં, પરંતુ જે સારો કાર્યકર છે તે જ મારો માણસ છે" તે મંત્ર સાથે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પક્ષ પ્રત્યે વફાદાર, નિષ્ઠાવાન અને સમાજમાં સ્વચ્છ છબી ધરાવતા કાર્યકરોને જ ચૂંટણીમાં ઉમેદવારી કરવાની તક મળશે. કોઈપણ પ્રકારની ગેરરીતિમાં સંડોવાયેલા કે ખરાબ પ્રતિષ્ઠા ધરાવતા લોકોને ટિકિટ નહીં મળે તેવો તેમણે પક્ષ વતી મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.













