મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મહેકુબપુરાથી અરઠી વચ્ચે હાઇવે રોડ પર એક ગંભીર અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. ડભોડાથી ખેરાલુ તરફ્ જતાં હાઇવે રોડ પર પૂરઝડપે અને ગફ્લતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા ફેરવ્હીલર ગાડીના ચાલકે રસ્તો ઓળંગી રહેલી 9 વર્ષની બાળકીને જોરદાર ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં બાળકીને માથાના તેમજ શરીરના અન્ય ભાગે જીવલેણ ઇજાઓ પહોંચતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટયો હતો. મળતી માહિતી મુજબ, ડભોડા ગામના મહુડી વળાંક પાસે રહેતા ભુપતજી અરજણજી ઠાકોર ખેતી અને ડ્રાઇવિંગ કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ સાંજના આશરે 7:30 થી 7:45 વાગ્યાના સુમારે તેમની 9 વર્ષની દીકરી જાગૃતીબેન હાઇવે રોડ ક્રોસ કરીને પોતાના ઘરે આવી રહી હતી. તે સમયે ડભોડાથી ખેરાલુ તરફ્ જતા હાઈવે રોડ પર એક અજાણ્યા ફેરવ્હીલરના ચાલકે પોતાની ગાડી પૂરઝડપે ચલાવી બાળકીને અડફેટે લીધી હતી. અકસ્માતની જાણ થતાં જ પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બાળકીને સારવાર અર્થે ખેરાલુ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. બાળકીના પિતા ભુપતજી ઠાકોરની ફરિયાદના આધારે ખેરાલુ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ફેરવ્હીલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખેરાલુ પોલીસે આ મામલે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે અને નાસીછૂટેલા ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: