રક્ષાબંધનના તહેવારને ધ્યાનમાં રાખીને યાત્રાધામ બહુચરાજીમાં મીઠાઈના ભાવમાં હાલ કોઈ વધારો નહીં કરવામાં આવે. ખાંડના ભાવમાં આશરે 35 ટકાનો વધારો થયો હોવા છતાં ગ્રાહકોને તહેવાર દરમિયાન વ્યાજબી ભાવે મીઠાઈ મળી રહે તે માટે બહુચરાજી મીઠાઈ-ફરસાણ એસોસિયેશને શહેરના 50થી વધુ વેપારીઓ સાથે ચર્ચા કરી આ નિર્ણય લીધો છે. ખાંડ અને દૂધ મીઠાઈના મુખ્ય કાચા માલ હોવાથી ભાવવધારાની સીધી અસર ઉત્પાદન ખર્ચ પર પડી છે. ખાંડના ભાવ વધવાથી મીઠાઈના ઉત્પાદનમાં પ્રતિ કિલોએ અંદાજે રૂ.30થી રૂ.35નો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. તેમ છતાં રક્ષાબંધન સુધી મીઠાઈના ભાવ યથાવત રાખવામાં આવશે. એસોસિયેશનના પ્રમુખ ભોલાભાઈ પટેલે જણાવ્યું હતું કે, ખાંડના ભાવમાં વધારો થયો હોવા છતાં તહેવાર દરમિયાન ગ્રાહકો પર વધારાનો બોજ ન પડે તે માટે વેપારીઓને ભાવવધારો નહીં કરવા સૂચના આપવામાં આવી છે. બહુચરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને વ્યાજબી ભાવે મીઠાઈ મળી રહે તે એસોસિયેશનનો હેતુ છે.

એસોસિયેશનના સેક્રેટરી અનિલભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખાંડના ભાવવધારાને કારણે પ્રતિ કિલોએ રૂ.30થી રૂ.35 જેટલો વધારાનો ખર્ચ થઈ રહ્યો છે. તેમ છતાં તહેવારની ખુશીમાં ગ્રાહકોને રાહત મળે તે માટે હાલ ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. રક્ષાબંધન બાદ ખાંડ સહિતના કાચા માલના ભાવ અને ઉત્પાદન ખર્ચને આધારે મીઠાઈના ભાવઅંગે એસોસિયેશન દ્વારા નિર્ણય લેવામાં આવશે.