નંદાસણ વિસ્તારમાં ચાર દિવસ અગાઉ રિક્ષામાં એક વૃદ્ધ પેસેન્જરની નજર ચુકવી ચાંદીના દાગીના ભરેલા થેલાની ચીલઝડપ કરવામાં આવી હતી. જેમાં તપાસ કરતા નાસી છૂટનાર રીક્ષા ચાલકને મહેસાણા LCBની ટીમે મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો. પોલીસે આરોપી પાસેથી રૂ.1.49 લાખની કિંમતની ચાંદી અને ગુનામાં વપરાયેલ રીક્ષા સહિત કુલ રૂ.2.49 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. કડીના ગાંધીચોકથી એક 67 વર્ષીય વૃદ્ધ પેસેન્જર રીક્ષામાં બેઠા હતા. જે બાદ કડી-નંદાસણ રોડ પર નવાપુરા પાસે રીક્ષા ચાલકે પેશાબ કરવાના બહાને રીક્ષા ઉભી રાખી હતી અને તકનો લાભ ઉઠાવી વૃદ્ધના ચાંદીના ઘરેણા ભરેલા થેલાની સ્નેચિંગ કરી બાવળની ઝાડીઓમાં થઈ ફરાર થયો હતો. જેને લઈ નંદાસણ પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જે અંગેની તપાસ કરતા બાતમીના આધારે મહેસાણા LCBની ટીમે એક રીક્ષા (નંબર GJ-01-TG-9778)ને શિવાલા સર્કલ પાસે રોકી તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચેથી સ્નેચિંગમાં ગયેલ ચાંદીના દાગીનાનો થેલો મળી આવ્યો હતો. પોલીસે રીક્ષા ચાલક રમઝાન ઉર્ફે સરફરાજ છોટેખાન પઠાણ (રહે.એલ.એચ.પાર્ક સોસાયટી, કસ્બા, કડી)ને ઝડપી પાડયો હતો. પૂછપરછમાં તેણે કબૂલ્યું હતું કે તેણે પોતાના મિત્રો શાહરૂખ બેલીમ (રહે. ઉસ્તાદપુર, કલોલ) અને સફ્ફન (રહે. મગદુમપાર્ક સોસાયટી, કડી) સાથે મળીને આ લૂંટ કરી હતી. પોલીસે હાલમાં અન્ય બે વોન્ટેડ આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Ahmedabad News: ધોળકાના કરિયાણા પાસે લક્ઝરી બસ રોડ નીચે ખાબકી, એકનું મોત, 15થી વધુ મુસાફરો ઘાયલ









