મહેસાણા શહેરના નજીક દેલા ગામ આજે મતદાન નહીં કરી વિરોધ નોંધાવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિકાસ નકશામાં દર્શાવેલ 80 મીટર રીંગ રોડના નિર્માણનો વિરોધ કરવા માટે ગ્રામજનોએ નિર્ણય કર્યો છે. ગામમાં રાત્રી સભા યોજી દરેક મહોલ્લામાં ઢોલ-નગારા સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો એકત્રિત થયા હતા. વિરોધને વધુ ઉગ્ર બનાવવા માટે ગ્રામજનોએ પરંપરાગત રીતે ઢોલ-નગારા વગાડીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ પ્રદર્શન દ્વારા ગ્રામજનોએ તંત્રને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે, તેઓ પોતાની માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી પીછેહઠ કરવાના નથી. દેલા ગ્રામજનોના વિરોધનું મુખ્ય કારણ રીંગ રોડ અને સૂચિત ઝોનનો નકશો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, જો આ નિર્ધારિત નકશા મુજબ રોડ અને ઝોન બનશે તો અનેક ખેડૂતોની જમીનો અને રહેણાંક મકાનો પર તેની નકારાત્મક અસર પડશે. ગ્રામજનોની માંગ છે કે તંત્ર દ્વારા રીંગ રોડનો નકશો બદલવામાં આવે જેથી નુકસાન અટકે. દેલાના ખેડૂતોએ જણાવ્યું હતું કે, અમે વિકાસના વિરોધી નથી, પરંતુ ખેડૂતો અને ગ્રામજનોના ભોગે થતો વિકાસ અમને મંજૂર નથી. રવિવારે યોજાનાર સ્વરાજયની ચૂંટણીમાં દેલાના ગ્રામજનો અળગા રહી મતદાન નહીં કરે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: