બહુચરાજી તાલુકાના શંખલપુર ગામે ઘરમાં ગેરકાયદે રીતે રાખવામાં આવેલા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બીયરના જથ્થા પર બહુચરાજી પોલીસે દરોડો પાડયો હતો. પોલીસને સ્થળ પરથી રૂ.29,407ની કિંમતની કુલ 121 બોટલ અને બીયરના ટીન મળ્યા હતાં. જોકે, દરોડા દરમિયાન ઘરમાં કોઈ હાજર ન હોવાથી આરોપી પોલીસના હાથે લાગ્યો નહોતો. બહુચરાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ વિષ્ણુકુમાર દલસંગભાઈ, હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ કમશીભાઈ અને પો.કો. અભિજીતસિંહ કેશરીસિંહ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શંખલપુર સિવિલ નજીક બાતમી મળી હતી કે, શંખલપુરના જોગણી માતાજીવાળા ઠાકોરવાસમાં રહેતા જકશીજી કડવાજી ઠાકોર પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દર્શાવેલા સ્થળે દરોડો પાડતાં ઘર ખુલ્લું હતું, પરંતુ ઘરમાં કોઈ હાજર નહોતું. ઘરની તપાસ દરમિયાન બીજા ખંડમાં રસોડાના પ્લેટફોર્મ નીચે તથા ભોંયરામાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 121 બોટલ અને બીયરના ટીન મળ્યા હતાં. પોલીસે દારૂનો જથ્થો કબજે કરી જકશીજી કડવાજી ઠાકોર વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા તેમજ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો