કચ્છના માંડવી તાલુકાના મોટા ભાડિયા ગામની દીકરી સભાઈબેન વાસીયાભાઈ ગઢવીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કબડ્ડીમાં સિદ્ધિ હાંસલ કરી ગુજરાત અને કચ્છનું નામ રોશન કર્યું છે. અમદાવાદ ખાતે યોજાયેલી કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ-2026 માં ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં યુગાન્ડાને 35-15થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વિજયમાં સભાઈબેને ભારતીય ટીમનો હિસ્સો બની યોગદાન આપ્યું હતું. ભારતીય મહિલા ટીમમાં સ્થાન મેળવનાર સભાઈબેન ગુજરાતનાં પ્રથમ મહિલા કબડ્ડી ખેલાડી બન્યાં છે. તેમની કબડ્ડીની સફર મોટા ભાડિયા પ્રાથમિક શાળા નં. 2ના મેદાનથી શરૂ થઈ હતી. શાળાના આચાર્ય મયુરભાઈ જોશી અને શિક્ષક હરેશભાઈ પંડયાના માર્ગદર્શન બાદ મોરબીની નવજીવન વિદ્યાલયમાં કોચ વિજયકુમાર ચૌધરી અને નરસિંહ રબારી પાસેથી તેમણે કબડ્ડીની વિશેષ તાલીમ મેળવી હતી. વર્ષ 2018માં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ્ ગુજરાતની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ(DLSS) ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવી તેમણે પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ્ ગુજરાત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ્ ઇન્ડિયા(SAI)ના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી રાષ્ટ્રીયસ્તરે અનેક મેડલ જીત્યા હતા. ખેલ મહાકુંભ,SGFI અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં ગોલ્ડ સહિત અનેક ચંદ્રકો જીતનાર સભાઈબેને 20 મી એશિયન ગેમ્સ માટેના ભારતીય કેમ્પમાં પણ સ્થાન મેળવ્યું હતું. કોમનવેલ્થ ચેમ્પિયનશિપ દરમિયાન ઉત્કૃષ્ટપ્રદર્શન બદલ તેમને એક મેચમાં બેસ્ટ ડિફેન્ડર જાહેર કરવામાં આવ્યાં હતાં. દરમિયાન, ફાઇનલમાં વિજય મેળવી દેશનું ગૌરવ વધાર્યા બાદ રવિવારે સભાઈબેન માતા-પિતા સાથે ગાંધીનગરના સેક્ટર-5 સ્થિત ખોડિયાર મંદિરે દર્શનાર્થે પહોંચ્યાં હતાં. અહીં તેમણે આઈ ખોડિયારનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે સાગરદાન ડી. ગઢવી સહિત ખોડિયાર મંદિર પરિવાર દ્વારા સભાઈબેનનું અભિવાદન કરી તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં. મોટા ભાડિયાના ગામના મેદાનથી આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચેલી સભાઈબેનની સફર ગુજરાતની અનેક દીકરીઓ માટે પ્રેરણારૂપ બની છે. તેમની સિદ્ધિથી ચારણ-ગઢવી સમાજ સહિત સમગ્ર ગુજરાતમાં ગૌરવની લાગણી પ્રસરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો