મહેસાણા શહેરમાં વિકાસના નામે મોટા મોટા દાવાઓ વચ્ચે મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને સામાન્ય મરામતની પોલ ખુલી ગઈ છે. શહેરના વ્યસ્ત ગણાતા વિસનગર રોડ ઉપર આવેલી યુજીવીસીએલ કચેરીના દરવાજાની બિલકુલ સામે જ મુખ્ય માર્ગ વચ્ચે ગાબડું પડી ગયું હતું. આ માર્ગપર પડેલા આ ગાબડાને કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે સ્થાનિક જાગૃત નાગરિકોએ મહાનગરપાલિકાને આ અંગે જાણ કરી હતી. નાગરિકોની રજૂઆત બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ એક્શનમાં આવી હતી અને તાબડતોબ આ ગાબડું પૂરી દેવાની કામગીરી હાથ ધરી હતી. તંત્રએ ખાડો તો પૂરી દીધો, પરંતુ અસલી મુશ્કેલી ત્યારપછી શરૂ થઈ છે. જીઈબી વિસ્તારના નાગરિકોએ જણાવ્યું હતું કે, આ ખાડો પુરાયાને આજે પાંચ દિવસ વીતી ગયા છે. સામાન્ય રીતે સિમેન્ટ કે રોડ સેટ થઈ જાય એટલે બેરીકેટ્સ હટાવી લેવાના હોય છે. પરંતુ, મહેસાણા મનપા પાસે આ મુખ્ય માર્ગ પરથી બેરીકેટ્સ અને માટીનો ઢગલો હટાવવાનો જાણે સમય જ નથી. રસ્તાની વચ્ચે નકામા પડેલા આ બેરીકેટ્સના કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકો ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. પીક અવર્સ દરમિયાન અહીં ટ્રાફ્કિ જામની સમસ્યા પણ સર્જાય છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકોમાં તંત્રની આવી ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: