બહુચરાજી તાલુકાના દેલવાડા ગામ પાસે રૂપેણ નદીના જર્જરિત જૂના પુલને કારણે છેલ્લા 6 મહિનાથી ભારે મુશ્કેલીઓ સહન કરતી પ્રજા અને એસટી વાહનચાલકોને આખરે રાહતની મોટી ખબર મળી છે. રૂપેણ નદી પર બાંધાયેલા નવા દ્વિમાર્ગીય પુલની કામગીરી પૂર્ણતા તરફ્ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. માર્ગ અને મકાન વિભાગના સૂત્રો અનુસાર, આગામી 16 જાન્યુઆરીથી આ પુલ પરથી એસટી બસ સહિત તમામ પ્રકારના વાહનોનો વ્યવહાર શરૂ થઈ જશે. આ પગલાથી લાંબા ડાયવર્ઝન અને ખરાબ રસ્તાઓની મુશ્કેલીઓથી છુટકારો મળશે.
દેલવાડા ગામે રૂપેણ નદી પરનો જૂનો પુલ જર્જરિત થઈ જતાં જુલાઈ 2025માં એસટી બસ સહિત ભારે વાહનોને પસાર થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેના પગલે તમામ વાહનોને વાયા કાલરી, બલોલ અને મોટપના માર્ગે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. આ ડાયવર્ઝનને કારણે મહેસાણા, ચાણસમા અને પાટણ જેવા વિસ્તારોમાંથી એસટી વ્યવહાર વાયા શંખલપુર, આદીવાડા અને મોઢેરા થઈને ચલાવવો પડયો હતો. લાંબા રસ્તાને કારણે યાત્રિકોને વધારાના સમય અને ખર્ચની મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.ઉપરાંત, પાલાવાસણાથી કાલરી સુધીના ફોરલેન હાઈવેનું કામ શરૂ થતાં અને ચોમાસામાં ભારે વરસાદના કારણે રોડ નામશેષ થઈ જતાં ભારે વાહનો માટે નીકળવું તો ધોળા દિવસે તારા જોવા જેવું મુશ્કેલ બન્યું હતું.પણ ટુ-વ્હીલર લઈને નીકળવું પણ જોખમી બની ગયું હતું. પરિણામે, મહેસાણા, ચાણસ્મા અને પાટણનો એસટી વ્યવહાર વાયા શંખલપુર, આદીવાડા, મોઢેરા થઈને શરૂ થયો હતો. એસટી શરૂ થતાં, રેતી માફીયાઓ પણ ડમ્પર સહિતનાં ઓવરલોડ વાહનોઆ રોડથી લઈને નીકળવા લાગતાં આ રોડને પણ ભારે નુકસાન થયું છે.પરિણામે છેલ્લા 6 મહિનાથી રોડની સમસ્યાને લઈ હેરાન થતી પ્રજાને હવે દેલવાડા નવો પુલ શરૂ થતાં રાહત મળવાની આશા જન્મી છે. છેલ્લા સાતથી આઠ મહિનામાં આ રોડની ખરાબ સ્થિતિને કારણે સ્થાનિક પ્રજા હેરાન થતી રહી છે.










