મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના ગણેશપુરા (ગાંભુ) ખાતે સરદાર પટેલ ગ્રુપ (SPG) દ્વારા એક વિશાળ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાજિક સુધારણાના ભાગરૂપે યોજાયેલા આ સંમેલનમાં મુખ્યત્વે લગ્ન નોંધણી સુધારા અભિયાન પર ભાર મૂકવામાં આવ્યો હતો.


30થી વધુ ગામોની જનશક્તિ ઉમટી

આ મહાસંમેલનમાં માત્ર ગણેશપુરા જ નહીં, પરંતુ બહુચરાજી તાલુકાના 30થી વધુ ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમાજના અગ્રણીઓ અને યુવાનોએ એકત્રિત થઈને વર્તમાન લગ્ન નોંધણી પ્રક્રિયામાં રહેલી ખામીઓ અને તેમાં જરૂરી સુધારા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરી હતી.

લગ્ન નોંધણીમાં સુધારા માટે SPG મક્કમ

SPG ગ્રુપ છેલ્લા ઘણા સમયથી લગ્ન નોંધણીના કાયદામાં સુધારાની માંગ કરી રહ્યું છે. સંમેલન દરમિયાન અગ્રણીઓએ જણાવ્યું હતું કે લગ્ન નોંધણીમાં માતા-પિતાની સંમતિ અનિવાર્ય હોવી જોઈએ.સ્થાનિક સ્તરે સામાજિક માળખું જળવાઈ રહે તે પ્રકારના ફેરફારો જરૂરી છે.આ અભિયાન અંતર્ગત સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મક્કમતાથી રજૂ કરવાની રણનીતિ પણ ઘડવામાં આવી છે.

સામાજિક એકતાનો સંદેશ

સંમેલનમાં ઉપસ્થિત વક્તાઓએ સમાજમાં વધતા જતા કુરિવાજો અને સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે એકતા પર ભાર મૂક્યો હતો. SPG ગ્રુપ આ મુદ્દે રાજ્યવ્યાપી આંદોલન કે જનજાગૃતિ અભિયાન ચલાવવા માટે પણ મક્કમ દેખાઈ રહ્યું છે. આ કાર્યક્રમની સફળતાએ બહુચરાજી પંથકમાં SPGની સંગઠિત શક્તિનો પરિચય આપ્યો છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: