મહેસાણા જિલ્લાના સતલાસણામાં આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) માં ગત રાત્રે તસ્કરોએ ભારે આતંક મચાવ્યો હતો. તસ્કરોએ એકસાથે 10થી વધુ દુકાનો અને અંદાજે 7 જેટલી પેઢીઓના તાળા તોડી અંદાજે 7 લાખ રૂપિયાથી વધુની રોકડ રકમની ચોરી કરી છે. આ લૂંટના ઈરાદે આવેલા તસ્કરો એટલા બેફામ હતા કે તેમણે માર્કેટ યાર્ડની સુરક્ષામાં તૈનાત ચોકીદારને પણ નિશાન બનાવ્યો હતો. ચોકીદારે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા તસ્કરોએ તેને ક્રૂરતાપૂર્વક માર માર્યો હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વેપારીઓમાં રોષ
આ ઘટનાની જાણ થતા જ માર્કેટ યાર્ડના વેપારીઓમાં રોષ અને ભયનો માહોલ ફેલાઈ ગયો છે. શિયાળુ પાકની સિઝન હોવાથી બજારમાં મોટી રોકડ રકમ હોવાની શક્યતાએ તસ્કરો ત્રાટક્યા હોવાનું અનુમાન છે. ઘટનાની જાણ થતા જ સતલાસણા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને એફએસએલ (FSL) તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ શરૂ કરી છે. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે અને તસ્કરોને ઝડપી પાડવા માટે નાકાબંધી કરી અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.













