મહેસાણા જિલ્લાના વિસનગરમાંથી એક અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. સ્થાનિક રાજકારણમાં મોટું નામ અને વર્ચસ્વ ધરાવતા ભાજપના કોર્પોરેટર દીપક મોદીએ આપઘાત કરી લેતા વિસનગર શહેરમાં શોક વ્યાપી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ, દીપક મોદીએ કોઈ અગમ્ય કારણોસર માનસિક સંતુલન ગુમાવતાં કે ભારે તણાવ હેઠળ આવીને દોડતી ટ્રેન નીચે પડતું મૂકી દીધું હતું. ટ્રેનની અડફેટે આવતા જ તેમનું શરીર ક્ષત-વિક્ષત થઈ ગયું હતું અને ઘટનાસ્થળે જ તેમનું પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું.
બિનહરીફ ચૂંટાયેલા જનપ્રતિનિધિનો કરૂણ અંજામ
અત્રે ઉલ્લેખનીય છે કે, દીપક મોદી સ્થાનિક સ્તરે ખૂબ જ મજબૂત પકડ ધરાવતા હતા. તાજેતરમાં યોજાયેલી વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં તેઓ વોર્ડ નંબર 1 માંથી ભાજપની ટિકિટ પર લડ્યા હતા અને પ્રજામાં તેમની લોકપ્રિયતા એવી હતી કે તેઓ સામે કોઈ ઉમેદવાર ન ઉતરાતા તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. એક તરફ ઉજજવળ રાજકીય ભવિષ્ય અને નગરસેવક તરીકે સત્તા હાથમાં હોવા છતાં, તેમણે કેમ આવું આત્મઘાતી પગલું ભરવું પડ્યું, તેને લઈને વિસનગરના રાજકીય વર્તુળોમાં જાતજાતની ચર્ચાઓ અને તર્ક-વિતર્કો શરૂ થઈ ગયા છે.










