અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મહેરૂ ગામમાં પ્રેમ સંબંધની શંકાના આધારે એક 42 વર્ષીય પ્રૌઢની પથ્થરના ઘા ઝીંકી ક્રૂરતાપૂર્વક નિર્મમ હત્યા કરવામાં આવી હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે.સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.ભિલોડા પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ભિલોડા તાલુકાના બુઢેલી ગામમાં ગ્રામ પંચાયતની બાજુમાં રહેતા અને કલરકામ તેમજ મજૂરીના વ્યવસાય સાથે સંકળાયેલા અશોકભાઈ બાલુભાઈ તરાર (ઠાકોર) (ઉ.વ. આશરે - 42) ગતરોજ મજૂરી કામે મહેરૂ ગામમાં ગયા હતા. દરમિયાન બપોરના આશરે 1:00 થી 2:00 વાગ્યાના સમયગાળામાં મહેરૂ પ્રાથમિક શાળા નજીક, આરોપી નલીનભાઈ ઉર્ફે નીલમ ચુનીલાલ ભગોરા (રહે. મહેરૂ, તા. ભિલોડા) એ અશોકભાઈને આંતર્યા હતા.આરોપી નલીનભાઈને શંકા હતી કે, મૃતક અશોકભાઈને તેની બહેન સાથે પ્રેમ સંબંધ છે.આ બાબતનો વહેમ રાખી આરોપીએ અશોકભાઈ સાથે વાતચીત દરમિયાન ઉગ્ર આવેશમાં આવીને ઝઘડો કર્યો હતો. હત્યારાએ પથ્થર વડે હિંસક યુવક પર હુમલો કર્યો હતો. ઝઘડો એટલો વણસ્યો હતો કે, આરોપી નલીનભાઈએ ઉશ્કેરાઈ જઈને અશોકભાઈ પર પથ્થર વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આરોપીએ પથ્થરના આડેધડ રીતે જીવલેણ ઘા મારીને અશોકભાઈની ડાબી આંખ પર, કપાળના ઉપરના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હિંસક હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા અશોકભાઈનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના નાના ભાઈ નીલેશભાઈ બાલુભાઈ તરારએ પોલીસ સ્ટેશનમાં હત્યા સંદર્ભે ફ્રિયાદ નોંધાવી છે.