ભિલોડાઃ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના પ્રખ્યાત સુપ્રસિદ્ધ યાત્રાધામ અને પ.પુ. સ.ગુ. શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર પાવન જન્મભૂમિ શ્રી સ્વામિનારાયણ મંદિર ટોરડાધામ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે અષાઢી તોલના ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરડાના મહંત શાસ્ત્ર્રી સ્વામી સિદ્ધેશ્વરદાસજી, હરિભક્ત મંડળ તેમજ ટોરડા, ટાકાટુકા, પહાડા, બુઢેલી સહિત આસપાસના ગ્રામજનો, ખેડૂતો અને નોકરીયાત વર્ગની વિશેષ ઉપસ્થિતિમાં આ વર્ષો જૂની પ્રાચીન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. વર્ષોથી ચાલી આવતી આ ઐતિહાસિક પરંપરા મુજબ અષાઢી પૂનમની રાત્રે 11 (અગિયાર) ધાન્ય પાકોને 5-5 ગ્રામ તોલીને ભગવાનના વસ્ત્ર્રોમાં બાંધી, એક માટલીમાં મૂકી માતાજીની સાડીથી મોઢું બાંધીને ભગવાન સમક્ષ રાખવામાં આવે છે. ત્યાર બાદ બીજે દિવસે સવારે અષાઢ વદ એકમના રોજ આ ધાન્યનું પુનઃ વજન કરવામાં આવે છે. બાજરીના કણથી થતી વધ-ઘટના આધારે આગામી વર્ષના પાક અને વરસાદનું પૂર્વાનુમાન કરવામાં આવે છે.અષાઢી તૌલના આંકડાકીય વિશ્લેષણ બાદ શ્રી સ્વામિનારાયણ મંદિરની જ્યોતિષીય ગણતરી મુજબ એકંદરે સમગ્ર વર્ષ સારું અને સમૃદ્ધિદાયક રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. દર વર્ષે અષાઢીનો વર્તારો સાચો સાબિત થતો હોવાથી, આ વર્ષે પણ વર્તારો સાંભળીને સ્થાનિક ખેડૂત આલમમાં અને હજારો હરિભક્તોમાં હર્ષની અને ખુશીની લહેર વ્યાપી ગઈ છે.
