અરવલ્લી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી વચ્ચે આજે શુક્રવારે દિવસ દરમિયાન બે એક તાલુકાઓને બાદ કરતાં અન્યત્ર તાલુકાઓમાં છૂટોછવાયો વરસાદ નોંધાયો હતો. મોડાસામાં સવારે 10થી 12 દરમિયાન ધોધમાર સવા ઇંચ ઉપરાંત વરસાદ પડયો હતો. આ સિવાસ ધનસુરામાં એક ઇંચ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વચ્ચે આવતીકાલે શનિવારે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ-એનડીઆરએફની એક ટીમને જિલ્લામાં તૈનાત કરી છે.

એનડીઆરએફની આ ટીમને બોટ્સ, લાઇફ્ જેકેટ્સ, જરૂરી આધુનિક સાધનો અને સંચાર સુવિધાઓ સાથે તૈનાત કરવામાં આવી છે. આ ટીમ વરસાદને કારણે ઉદભવી શકે તેવી પૂર, પાણી ભરાવા, મકાનોના નુકસાન કે અન્ય કોઈપણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્યો હાથ ધરવા માટે સજ્જ છે. એનડીઆરએફ ટીમના ઇન્સ્પેક્ટર વિનીતસિંગે જણાવ્યું હતું કે, અમારી ટીમ સંપૂર્ણ તૈયારી સાથે જિલ્લામાં તૈનાત છે. અમે સ્થાનિક વહીવટીતંત્ર સાથે સતત સંકલન જાળવી રહ્યા છીએ. કોઈ પણ આપત્તિની સ્થિતિમાં તાત્કાલિક બચાવ કાર્ય હાથ ધરવા માટે અમારી ટીમ તત્પર છે.

ટીમના કર્મચારીઓને પૂરની સ્થિતિમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર પૂરી પાડવા અને રાહત સામગ્રી વહેંચવા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. વધુમાં આ ટીમ જિલ્લા ઇમરજન્સી સેન્ટર સાથે સંપર્કમાં રહીને વાસ્તવિક સમયની માહિતી અને જરૂરી માર્ગદર્શન પણ આપશે. બીજી તરફ વહીવટીતંત્રે નાગરિકોને કટોકટીના સમયે 1077 ઉપર સંપર્ક કરવા અપીલ કરી છે. દરમિયાનમાં જિલ્લામાં આજે તા.31 જુલાઈ 2026ના રોજ વરસાદી ઝાપટાં જારી રહ્યાં હતાં. મોડાસા પંથકમાં સવારે વરસાદી ઝાપટાં પડયાં હતાં. આજે સવારે છથી સાંજે ચાર વાગ્યા દરમિયાન મોડાસા તાલુકામાં કુલ 33 મીમી વરસાદ નોંધાયો છે. ધનસુરા તાલુકામાં કુલ 27 મીમી વરસાદ નોંધાયો હતો. આ સિવાય બાયડમાં 8 મીમી, સાઠંબામાં 7 મીમી, શામળાજીમાં 2 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે ભિલોડા, મેઘરજ અને માલપુર તાલુકામાં વરસાદ નોંધાયો ન હતો. જિલ્લાનો આજે સાંજે ચાર સુધીનો સરેરાશ વરસાદ 9.63 મીમી રહ્યો છે. જ્યારે સિઝનનો કુલ વરસાદ જિલ્લાનો 299 મીમી નોંધાયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો