અરવલ્લીના શામળાજીના સુનોખ-ખિલોડા પંથકના ગામોમાં સતત વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે મગફ્ળીના પાકમાં ફૂગ અને ઈયળનો ઉપદ્રવ જોવા મળતા ખેડૂતો ચિંતિત હોવાનું જાણવા મળ્યું છે.

શામળાજી તાલુકામાં સોમવારના સવાર સુધીનો મોસમનો કુલ દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેમાંય કેટલાક વિસ્તારોમાં વધુ તો કેટલાક વિસ્તારોમાં ઓછો વરસાદ વરસ્યો છે ત્યારે શામળાજીના સુનોખ-ખિલોડા પંથકના વિવિધ ગ્રામ્યવિસ્તારોમાં ખેડૂતો દ્વારા ચાલુ ખરીફ્ સીઝનમાં વધુ પડતું મગફ્ળીના પાકનું વાવેતર કર્યું છે. અત્યારે છેલ્લા અઠવાડિયાથી સારો ખેતીલાયક વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદ જોવા મળ્યો હતો. સતત પડી રહેલા વરસાદ અને વાદળછાયા વાતાવરણને કારણે મગફ્ળીના પાકમાં ફૂગ અને લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળતાં ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. ફૂગના કારણે મગફ્ળીનો છોડ સુકાવા લાગ્યો છે જ્યારે લીલી ઈયળ દ્વારા મગફ્ળીના પાકના પાનને કોરી ખાય છે જેનાથી પાકને નુકસાન થઈ રહ્યાનું ખેડૂતો જણાવી રહ્યા છે. પાકને નુકસાન થતો અટકાવવા માટે જંતુનાશક અને ફૂગનાશક દવાનો ઉપયોગ કરી પંપ દ્વારા દવાનો છંટકાવ કરી પાક બચાવવા લાગ્યા હોવાનું જાણવા મળેલ છે. વળી ખેડૂતો દ્વારા જાણવા મળ્યું છે કે જો વરસાદ પાંચ - 6 દિવસનો વિરામ કરે અને ખેતીમાં વરાપ આવે અને પાકને સૂર્યપ્રકાશ મળે તો રોગનું નિયંત્રણ થઈ જાય તેમજ વિવિધ પાકોની જરૂરી વૃદ્ધિ પણ થઈ શકે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.