મોડાસા માર્કેટયાર્ડમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપે આ બંને હોદ્દાઓ માટે મેન્ડેટ આપ્યા હતા. જો કે ચેરમેન પદ માટે આપવામાં આવેલ મેન્ડેટનો ચૂંટાયેલા કેટલાક સભ્યોએ વિરોધ કર્યો હતો અને ચૂંટણી યોજવામાં આવે તેવી માંગ ઉઠાવી હતી. દરમિયાન ભાજપે આપેલ મેન્ડેટ ધરાવનાર ઉમેદવાર અને અન્ય એક ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ચોંકાવનાર પરિણામ સામે આવ્યુ હતુ અને ભાજપે મેન્ડેટ આપેલ ઉમેદવારની હાર થઈ હતી.
સહકારી સંસ્થાઓની ચૂંટણીમાં હવે ભાજપ દ્વારા મેન્ડેટ આપી હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવે છે અને આ મેન્ડેટ મુજબ જ હોદ્દેદારો ચૂંટાતા પણ હોય છે. ભાજપે મેન્ડેટ આપ્યુ હોય ત્યાં ચૂંટણી થાય તો મેન્ડેટ ધરાવનાર ઉમેદવારની જ જીત પણ થતી હોય છે. મોટાભાગની સહકારી સંસ્થાઓમાં આ પ્રકારે ભાજપ સત્તા મેળવે છે. દરમિયાન મોડાસા માર્કેટયાર્ડમાં પણ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી જાહેર થઈ હતી. બુધવારે નિયમ મુજબ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને ભાજપ દ્વારા ચેરમેન માટે ડિરેક્ટર કિરીટભાઈ પટેલના નામનું મેન્ડેટ જાહેર કરવામાં આવ્યુ હતું. જો કે ભાજપ સમર્પિત ડિરેક્ટરોમાં ભાજપના મેન્ડેટ સામે વિરોધનો સૂર ઉભો થયો હતો. કેટલાક ડિરેક્ટરોએ આ મેન્ડેટ મંજૂર ન હોવાનું જણાવી ચૂંટણી યોજવા માંગ ઉઠાવી હતી.










