અરવલ્લી જિલ્લાના ભિલોડા અને શામળાજી તાલુકાના ખેડૂતો માટે સિંચાઈના તળાવો આશીર્વાદરૂપ છે, પરંતુ હાલ આ તળાવોની સ્થિતિ અત્યંત દયનીય બની છે. સિંચાઈ વિભાગ દ્વારા નિર્મિત વિવિધ તળાવોમાં લાંબા સમયથી જાળવણીના અભાવે ગાંડા બાવળો અને બિનજરૂરી વનસ્પતિનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. સાથોસાથ, ચોમાસામાં પાણીના પ્રવાહ સાથે આવતી કાંપ અને માટીના કારણે તળાવોની ઊંડાઈમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખેડૂતોની મુખ્ય રજૂઆત છે કે, તળાવોની જળસંગ્રહ શક્તિ ઘટી હોવાથી ચોમાસાનું કિંમતી પાણી ઓવરફ્લો થઈને નકામું વહી જાય છે. જે તળાવોમાં પાણી ભરેલું રહે છે ત્યાં આસપાસના ખેતરોમાં બોર-કુવાના તળ ઊંચા આવે છે, પરંતુ તળાવો વહેલા સુકાઈ જતાં ખેતીના પાકને પૂરતું પાણી મળતું નથી. શિયાળુ અને ઉનાળુ પાક લેતી વખતે સિંચાઈની અછત સર્જાય છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે.
સ્થાનિક ખેડૂત સમુદાયે સિંચાઈ વિભાગને વિનંતી કરી છે કે, આગામી ચોમાસું બેસે તે પહેલાં જે તળાવો દર વર્ષે છલકાઈને વહી જાય છે, તેનો તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે. જો આ તળાવોમાંથી કાંપ કાઢી તેને ઊંડા કરવામાં આવે અને નકામી વનસ્પતિ દૂર કરવામાં આવે, તો વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થઈ શકે. જળસ્તર જળવાઈ રહેતા ખેડૂતોને આખું વર્ષ ખેતીમાં રાહત મળી શકે તેમ છે. હવે જોવાનું એ રહે છે કે વહીવટી તંત્ર ખેડૂતોની આ વાજબી માંગણી સામે ક્યારે પગલાં ભરે છે.
